Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

બેટી જન્મની સંખ્યાનો વધારો રાજ્ય સરકારની યોજનાની સફળતા સુચવે છે

ભુજ ધારાસભ્ય અને મહિલા અગ્રણી ડો.મીનાબેન આચાર્યએ કામગીરી બિરદાવી

ભુજ, તા.૨૫: ભારત સરકારના બેટી બચાવો- બેટી પઢાવો અંતર્ગત નેશનલ ચાઈલ્ડ ડે ની ઉજવણી સંદર્ભે જી.કે.જનરલ હોસ્પિટલમાં નવતર જન્મેલ દીકરીઓને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા 'દિકરી વધામણી કીટ'નું વિતરણ કરી આ દિવસની દબાદબાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

ભુજના ધારાસભ્ય અને જાણિતા મહિલા અગ્રણી ડો.નીમાબેને આ ઉજવણી પ્રસંગે ખાસ હાજર રહી કીટ અર્પણ કરતા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં બેટી જન્મના પ્રમાણમાં ક્રમશ સુધારો થઇ રહયો છે જે રાજય સરકારની યોજના અને પ્રયત્નના ભાગરૂપે સફળતા સૂચવે છે. જી.કે.જનરલ હોસ્પિટલના સ્ત્રી રોગ વિભાગ વોર્ડમાં ૨૪ કલાક દરમ્યાન જન્મેલી દિકરીઓની ૧૧ માતાઓને રૂબરૂ મળી ડો.નીમાબેને કીટ અર્પણ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, બેટી બચાવો બેટી પઢાવો અભિયાનના ભાગરૂપે રાજય સરકારે પહેલ કરી યોજના જારી કરી છે જે મુજબ દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવું. દિકરીઓના શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો દ્યટાડવો અને દિકરીઓ/સ્ત્રીઓનો સમાજમાં સર્વાગી સશકિતકરણ કરવું. આ ઉપરાંત બાળલગ્નો અટકાવવા. વ્હાલી દિકરી યોજના હેઠળ રાજય સરકારે આર્થિક લાભ પણ જાહેર કરેલ છે અને તે અંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે.

આ પ્રસંગે જી.કે.જનરલ હોસ્પિટલના ચીફ મેડીકલ સુપ્રિ. ડો.એન.એન.ભાદરકા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નર, સિવિલ સર્જન ડો.કશ્યપ બુચ, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી જલ્પાબેન ત્રિવેદી, સ્ત્રી રોગ વિભાગના હેડ ડો.નીમેષ પંડયા, સી.ડી.પી.ઓ.નીતાબેન ઓઝા તથા ટી.એચ.ઓ. ડો.પરમાર વિગેરે ઉપસ્થિત રહયા હતા.

(11:33 am IST)