Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

દેવભૂમિ દ્વારકામાં મહિલાઓની સતામણી વિષયે સેમીનાર સંપન્ન

ખંભાળીયા,તા.૨૫: મહિલાઓને કામકાજ ના સ્થળે સુરક્ષિત વાતાવરણ મળી રહે તથા તેઓની જાતીય સતામણી ના થાય તે માટે મહિલા અને બાળ અધિકારીની કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી(અટકાયત, પ્રતિબંધ અને ફરીયાદ નિવારણ) અધિનિયમ- ૨૦૧૩ અંતર્ગત જીલ્લા સંકલન સમિતિની જિલ્લાની કચેરીના અધિકારીઓ તથા મહિલા કર્મચારીઓ માટે કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં  કરવામાં આવ્યું હતું.

આ માર્ગદર્શન સેમિનારમાં મદદનીશ સરકારી વકીલ દ્વારા અધિનિયમની પૂર્વભૂમિકાની સમજ આપી અધિનિયમની કલમો વિશે તથા જીલ્લાની દરેક કચેરીએ પોતાની કચેરીની આંતરિક ફરિયાદ સમિતિ બનાવવા વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી. જેથી કચેરીમાં કામ કરતી મહિલા કર્મચારીઓ સુરક્ષિત અને સ્વસ્થ વાતાવરણ મેળવી શકે. આ સેમીનારમાં જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રોહન આનંદ, જીલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.જે.જાડેજા, મહિલા અને બાળ અધિકારીશ્રી સી.ડી.ભાંભી તથા દહેજ પ્રતિબંધ અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રી એસ.એન.વર્ણાગર તથા જીલ્લાની સંકલન સમિતિની કચેરીનાં અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહેલ હતા. કલેકટરશ્રીએ મહિલા કર્મચારીઓને કામકાજના સ્થળે સુરક્ષિત અને સ્વસ્થ વાતાવરણ મળી રહે તેવી વ્યવસ્થા રાખવા માટે તથા અધિનિયમનો દુરુપયોગ ના થાય તેની તકેદારી રાખવા તમામ અધિકારીઓને સુચન કરેલ.

(11:32 am IST)