Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ગોંડલના શેમળા પાસે ટ્રેક પર રેલ્વે કર્મચારીને માર મારી બે શખ્સોએ મોબાઇલ લુંટી લીધો

ગોંડલના ભગવતપરામાં સાગર તથા છગનભાઇ ભોજાણીના ઘરમાં ૩ શખ્સોએ ઘુસી બાઇકમાં તોડફોડ કરી ધમકી આપી

રાજકોટ, તા., રપઃ ગોંડલના શેમળા ગામની સીમમાં રેલ્વે ટ્રેક પર ફરજ બજાવતા કર્મચારીને બે શખ્સોએ ધોકાથી હુમલો કરી ફરજમાં રૂકાવટ કરી મોબાઇલ લુંટી જતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના શેમળા ગામની સીમમાં રેલ્વે ટ્રેક પર ફરજ બજાવતા રેલ્વે કર્મચારી રામ પ્રવેશકુમાર રામચંદ્ર જામેદાર પેટ્રોલીંગમાં હતા ત્યારે રાત્રીના બે વાગ્યે રેલ્વે ટ્રેક પર બે અજાણ્યા શખ્સોએ ધોકો લઇ આવી કહેલ કે તું કોણ છો? અને અહી શું કરે છે? તેમ કહેતા રામ પ્રવેશકુમારે  પોતે રેલ્વે કર્મચારી હોવાનું અને પેટ્રોલીંગમાં હોવાનું જણાવતા ઉકત બંન્ને શખ્સોએ મોબાઇલ માંગતા તે ન આપતા ધોકાથી આડેધડ માર મારી જીપીએસ ટ્રેકર નીચે પછાડી દઇ સરકારી કર્મચારીને નોકરીની ફરજમાં રૂકાવટ કરી તેનો મોબાઇલ કિંમત ૧૧,૬૯૯  લુંટ કરી બંન્ને શખ્સો નાસી છુટયા હતા. આ અંગે ઇજાગ્રસ્ત રેલવે કર્મચારી રામપ્રવેશકુમારે ઉકત બંન્ને શખ્સો સામે ફરીયાદ નોંધાવતા તાલુકા પીએસઆઇ એ.વી.જાડેજાએ તપાસ હાથ ધરી છે.

તેમજ અન્ય એક બનાવમાં ગોંડલના ભગવતપરામંાં રહેતા સાગર દિેનેશ ભોજાણીના ઘરમાં અશોક ઉર્ફે દાના કાનાભાઇ મકવાણા, કાર્તીક કિરીટભાઇ મકવાણા તથા અભય કિરીટભાઇ મકવાણાએ પ્રવેશી ઘરનો સામાન વેરવિખેર કરી બાઇકમાં તોડફોડ કરી હતી તેમજ બાજુમાં રહેતા છગનભાઇ ભોજાણીના ઘરમાં પ્રવેશી બાઇકમાં તોડફોડ કરી નુકશાન કરી પતાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે સાગર ભોજાણીએ ઉકત ત્રણેય શખ્સો સામે સીટી પોલીસમાં ફરીયાદ કરતા હેડ કોન્સ્ટેબલ એ.એમ.ઓડેદરાએ તપાસ હાથ ધરી છે.

(11:28 am IST)