Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

કોઇની પાસેથી લે નહીં પરંતુ આપે તે પૂ.જલારામબાપાઃ પૂ.મોરારીબાપુ

વિરપુરમાં પૂ.જલારામબાપાએ શરૂ કરેલા અન્નક્ષેત્રને ૨૦૦ વર્ષ પુર્ણ થતા આયોજીત 'માનસ સદાવ્રત' શ્રીરામ કથા કાલે વિરામ લેશે

વિરપુર (જલારામ): પૂ.મોરારીબાપુના વ્યાસાસને આયોજીત શ્રીરામ કથાની તસ્વીરી ઝલક. પૂ.જલારામબાપા પરિવારના પૂ.રઘુરામબાપા અને પૂ.કિર્તીબેન દરરોજ કથાના પ્રારંભે પૂ.જલારામ બાપાના ભજનો રજુ કરે છે. અન્નક્ષેત્રમાં ભાવિકો ભોજનરૂપે પ્રસાદ લઇને ધન્યતા અનુભવે છે (તસ્વીરઃકિશન મોરબીયા.વીરપુર.જલારામ)

વિરપુર (જલારામ) તા.૨૫: વિરપુરમાં પૂ. જલારામબાપાએ શરૂ કરેલા અન્નક્ષેત્રને ૨૦૦ વર્ષ પુર્ણ થતા આયોજીત 'માનસ સદાવ્રત' શ્રીરામ કથાનો આજે આઠમો દિવસ છે. કાલે શ્રીરામ કથા વિરામ લેશે.

પૂ. મોરારી બાપુએ આ જલારામધમનું અને સદાવ્રતનું મહત્વ સમજાવતા જણાવેલ કે, જો આ જગ્યા ધારે તો ભવ્ય મંદિર બનાવી શકે અને આપવાવાળા પણ હજારો છે પરંતુ આ ધામમાં હવે કોઈએ ભેંટ ન ધરવી તેવું કહી દીધું તેને પણ વીસ વર્ષ થઈ ગયા અને અન્નક્ષેત્ર સદાવ્રત ચાલે છે તેને તો બસો વર્ષ થઈ ગયા માટે આતો વૈરાગ્ય સદાવ્રત છે જે કોઈની પાસેથી લ્યે નહીં પણ આપે તે જ જલારામ તેવું કહીને જલારામ બાપાનું પદ કહેલ કે 'રામ નામ મેં લિન હે, દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરું, જય જય જલારામ.'

બાપુએ રામ કથા આગળ વધારતા સીતાજીના સ્વયંવરનો ધનુષયજ્ઞ પ્રસંગ વર્ણવ્યો હતો. જેમાં દસ હજાર જેટલા જુદાજુદા રાજાઓ અને રાજકુમારો સ્વયંવરમાં રંગ મહેલમાં આવ્યા હતા. તેમાં આ બધા રાજાઓ ધનુષ ઉપાડવામાં નિષ્ફળ ગયા બાદ જનકરાજા ગુસ્સે ભરાયને તમામને સંભળાવી દીધું કે હવે તમે કયારેય તમને વીર ન કહેતા ત્યારે ત્યાં ઉપસ્થીત લક્ષમણજી જનકરાજા પર ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે અમો રદ્યુવીર છીએ ધનુષ તો હું પણ ઉપાડી શકું પરંતુ અહીં મારા મોટા ભાઈ માટે અમો આવ્યા છીએ, માટે વીર વિહીન બોલોમાં ત્યાર બાદ શ્રી રામે ધનુષ ઉપાડ્યું જ નહીં પણ ઉપાડીને તોડી નાખતાં ધનુષ તૂટવાનો અવાજ સાંભળી મહેન્દ્રગીરી પર્વત પરથી પરશુરામ કાળઝાળ થઈને ધનુષ તોડનારની હત્યા માટે આવ્યા પરંતુ સ્વયં ભગવાન રામને જોઈને ગળગળા થઈ ગયા અને આશીર્વાદ આપીને જતા રહ્યા. બાદ સીતાજી વરમાળા લઈને રામને પહેરાવવા માટે આવ્યા પરંતુ નમી ઉંમરમાં ઓછી ઉંચાઈ ધરાવતા હોય અને રામજી ઉંચા હોવાથી કોઈ રીતે વરમાળા પહેરાવી શકતા ન હતા અને રામ ડોક નમાવવા જાય તો બાજુમાં ઉભેલ લક્ષમણને જોઈને ફરી ડોક ઉંચી કરી દયે કેમ કે રદ્યુકુળનું માથું કયારેય નમે નહીં અંતે લક્ષમણજી ભગવાન રામને પગે લાગવા જેવા નીચા વળ્યાં અને રામ તેમને ઉઠાવવા નમ્યા તે સાથે જ સીતાજીએ વરમાળા રામજીની ડોકમાં પહેરાવી દીધી. આટલું વર્ણન કરી કથાને બાપુએ વિરામ આપ્યો હતો.

કથા બાદ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા અને વલ્લભભાઈ કથીરિયા દ્વારા વ્યાસપીઠની આરતી ઉતારવામાં આવી હતી આજે સીતાજીનો સ્વયંવર હોવાથી આઠ હજાર લીટર દૂધ, બસો કિલોગ્રામ ચોખા, ચારસો કિલોગ્રામ ખાંડ, ત્રીસ કિલોગ્રામ ડ્રાયફ્રુટ, અને આઠસો ગ્રામ કેસર મિશ્રિત ખીર ચાલીસ હજાર જેટલા ઉપસ્થીત ભાવિકોને આજના ભોજન પ્રસાદમાં આપવામાં આવેલ હતી.

જયાં ટુકડો ત્યાં હરિ ઢુકડો ના સૂત્રને સાર્થક કરનાર પૂજય સંત શિરોમણી જલારામબાપા એ શરૂ કરેલા સદાવ્રતના ૨૦૦ વર્ષ દ્વિ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે,

ગાગર જેવડા વીરપુરમાં સાગર જેવડો સંત ઝુંપડી જયાં જલારામની જયાં થાય સેવાના કામ એવા વીરપુર ગામમાં આજથી ૨૦૦ વર્ષ પહેલાં પૂજય જલારામ બાપાએ ૨૦ વર્ષની ઉંમરે સદાવ્રત અન્નક્ષેત્ર શરૂ કર્યું હતું,અમરેલીના ફતેહપુર ગામના પૂજય ભોજલરામ બાપાના આદેશ અને પ્રેરણા થી વિક્રમસવંત ૧૮૭૬ના મહાસુદ બીજના દિવસથી વીરપુરમાં પૂજય બાપાના આંગણે ભૂખ્યાને ભોજન મળી રહ્યું છે આ વર્ષે વિક્રમ સવંત ૨૦૭૬માં એટલે ૧૮ જાન્યુઆરી થી ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ વીરપુરમાં દ્વિ શતાબ્દી મહોત્સવ ઊજવવામાં આવી રહ્યો છે, દ્વિ શતાબ્દી મહોત્સવ અંતર્ગત પૂજય મોરારિબાપુની રામ કથાના સાતમા દિવસે પૂજય જલારામ બાપાના અન્નક્ષેત્રમાં હજારો લોકો ભોજન પ્રસાદ લઈ રહ્યા છે પૂજય બાપાના અન્નક્ષેત્રમાં રામકથા દરમિયાન નવે નવ દિવસ વીરપુર ગામના કોઈપણ દ્યેર રસોઈ નહિ બનાવાઈ વીરપુરના દરેક સમાજના લોકો પૂજય જલારામબાપાના અન્નક્ષેત્રમાં ભોજન પ્રસાદ લેવાનો આગ્રહ પૂજય બાપાના પરિવારજનો દ્વારા જણાવાયુ છે ત્યારે પાંચ જેટલા વિશાળ ડોમમાં અંદાજે ૨૫ થી ૩૦ હજાર જેટલા લોકો ભોજન પ્રસાદ લઈ રહ્યા છે, પૂજય બાપાના અન્નક્ષેત્ર મહોત્સવમાં રોજ હજારો લોકો ભોજન પ્રસાદ લ્યે છે ત્યારે મહોત્સવ દરમિયાન રામકથા સ્થળની સામેની બાજુએ પૂજય માતુશ્રી વીરબાઈમાં પ્રસાદ કેન્દ્ર, માતુશ્રી મોંદ્યીબા પ્રસાદ કેન્દ્ર તેમજ માતુશ્રી કાંતાબા પ્રસાદ કેન્દ્ર એમ ચાર જેટલા વીશાળ ડોમમાં લોકો આરામ થી ભોજન પ્રસાદ લઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે,રોજ અલગ અલગ પ્રસાદ બનાવવામાં આવે છે ત્યારે સાતમા દિવસે અંદાજે આઠ હજાર લીટર જેટલા દૂધનો દૂધપાક બનાવવામાં આવ્યો હતો અને દ્વિ શતાબ્દી મહોત્સવમાં આવેલ તથા પૂજય મોરારીબાપુની રામકથા શ્રવણ કરવા આવેલા ભકતોને ભોજન પ્રસાદની પ્રસાદી આપવામા આવી હતી તેમજ વીરપુર તેમજ આજુબાજુના ગામના લોકો પૂજય જલારામ બાપાના અન્નક્ષેત્રમાં અંદાજે ત્રણ હજાર જેટલા સ્વયંસેવકો ખડેપગે પૂજય બાપાના રસોડામાં પોતાની સેવા આપી રહ્યા છે.

(11:22 am IST)