Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

મોરબીમાં રબારી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

 મોરબીઃ વડવાળા યુવા સંગઠન દ્વારા રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં રબારી સમાજના ૧૮૦ તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવેલ તો આ તકે જાણીતા વકતા જય વસાવડાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને આજની સદીમાં શિક્ષણ અને જ્ઞાનના મહત્વ વિષે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું . શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા રબારી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તથા મચ્છુ કાંઠાના રબારી સમાજના સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે દુધરેજના મહંત પૂ.કનીરામ બાપુના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. આ તકે પૂ.કનિરામ બાપુએ જણાવ્યું હતું કે, આજના સમયમાં શિક્ષણની વધુ જરૂરિયાત છે. દરેક માં બાપ દીકરો દીકરીને એક સમાન ગણીને દીકરીઓને પણ વધુ સારું શિક્ષણ આપે તેવી હાકલ કરી હતી.  આ કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત મહાનુભવોના હસ્તે રબારી સમાજના ધો. ૯ થી અનુસ્નાતક સુધીના ૧૮૦ તેજસ્વી વિધાર્થીઓને મોમેન્ટ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ખેલ મહાકુંભ અને રમત ગમત સહિતની પ્રવૃતિઓમાં ઉજ્જવળ દેખાવ કરવાના રબારી સમાજની ઉગતી પ્રતિભાઓનું સન્માન કરીને બિરદાવાયા હતા. આ તકે જાણીતા વકતા અને લેખક જય વસાવડાએ આજના સમયમાં જ્ઞાન કેટલી આવશ્યકતા તે અંગે ઉદબોધન કર્યું હતું. તેમણે પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે, હાલ ૨૧ મી સદી જ્ઞાનની ગણાય છે. સંપત્ત્િ। કરતા જ્ઞાન અધિક મૂલ્યવાન છે. જો તમારી પાસે શ્રેષ્ઠ જ્ઞાન હશે તો દુનિયા આખી પર તમે રાજ કરી શકશો. હવે સાચી સંપત્ત્િ। છે એ જ્ઞાનની છે અને સરસ્વતી અને જ્ઞાનની ઉપાસના જ તમને આગળ લઈ જશે. આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજના પ્રતિષ્ઠિત અગ્રણીઓ દેવેનભાઈ રબારી , મોતીભાઈ રબારી અને ધારાભાઈ રબારી સહિતનાએ જહેમત ઉઠાવી હતી.તેજસ્વીર વિદ્યાર્થીઓને બિરદાવવામાં આવ્યા તે તસ્વીર.

(11:21 am IST)