Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

ઓનલાઇન કામગીરી અને આધારકાર્ડના અભાવે ખેડૂતો સહાયથી વંચિત : ભારતીય કિસાન સંઘે આપ્યું આવેદન

મોટી ઉંમરના ખેડૂતની આંગળીની લકીર ભૂંસાઈ ગઈ : આધારકાર્ડ બન્યા હોય તો વેબસાઈટ સાથે લિંક થતા નથી

 

ભુજ: ચાલુ વર્ષે ખેડૂતોને એક બાદ એક કમોસમી માવઠાનો સામનો કરવો પડ્યો છે , તેના થકી ખેતીમાં વ્યાપક નુકસાની થઈ છે . સરકારે નુકસાની બાબતે સહાય પેકેજ જાહેર કર્યા બાદ હવે કામગીરી શરૂ થઈ છે . ભ્રષ્ટાચાર અટકાવવા ઓનલાઈન કામગીરીને પ્રાધાન્ય અપાયું છે , જેમાં આધારકાર્ડ અનિવાર્ય છે , પરંતુ મોટી ઉંમરના ખેડૂતો ખાતેદારોના ફિંગરપ્રિન્ટ આવતા હોઈ હાલમાં સહાય મેળવવા માટે તેઓને હેરાનગતિ વેઠવી પડે છે .

ભારતીય કિસાન સંઘ ભચાઉ તાલુકાના પ્રમુખ ભચાભાઈ માતા , મંત્રી જીતુભાઈ આહિર સહિતનાઓ દ્વારા અંગે જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જાષી અને ખેતીવાડી અધિકારી વાય . આઈ . સિહોરાને રૂબરૂ મળી રજૂઆત કરાઈ છે , જેમાં જણાવ્યા પ્રમાણે સરકારના રાહત પેકેજની સહાય મેળવવા મોટી ઉંમરના ખેડૂત ખાતેદારોને આધારકાર્ડ દર્શાવવા પડે છે , પરંતુ મોટી ઉંમરના ખેડૂતના હાથની આંગળીઓની લકીરો ભૂંસાઈ ગઈ હોઈ યુઆઈડીએઆઈ પર કાર્ડ બનતા નથી , જેથી સહાય મેળવવા માટે સાચા હક્કદાર ખેડૂતોને આધારકાર્ડના અભાવે વંચિત રહેવું પડે છે . ઉપરાંત જે ખેડૂતોના આધારકાર્ડ બનેલા છે , પરંતુ વેબસાઈટ સાથે લીંક થયા નથી તેઓ પણ અરજી કરી શકતા નથી ત્યારે ખેડૂતોના બન્ને પ્રશ્નોનું ઝડપી સમાધાન કરી ખેત નુકસાનીનું વળતર સહાય પેટે જલ્દી ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી.

(11:54 pm IST)