Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

રાજયમાં સિંહ-દીપડાની સંખ્યામાં વધારો : પાંચ વર્ષમાં ર૩ હજારથી વધુ પશુધનનું મારણ

રાજકોટ, તા. ર૪ : સુરેન્દ્રનગરના ચોટીલા વિસ્તારમાં આવી ગયેલા સિંહયુગલે હજી સુધી એ વિસ્તારમાં જ ધામા નાખેલા છે અને વનવિભાગ દ્વારા પણ એને ખસેડવાના પ્રયાસો થઇ રહ્યા નથી. એ જોતા સિંહોના નવા રહેઠાણ તરીકે સમગ્ર વિસ્તાર વિકસે એવી શકયતા વન વિભાગ પણ જોઇ રહ્યો છે. સિંહોની આગામી વસ્તી ગણતરી અત્યાધુનિક રીતે મે મહિનામાં હાથ ધરાશે. ત્યારે ચોટીલા વિસ્તાર અંગે નિર્ણય લેવાય એવી શકયતા છે. બીજી તરફ છેલ્લા પાંચ વર્ષમાં સિંહ, દીપડા સહિતના હિંસક પ્રાણીઓ દ્વારા રાજયમાં ર૩ હજારથી વધુ પ્રાણીના મારણ કરવામાં આવ્યા છે. ગઇ ૧૯ નવેમ્બરે ચોટીલા નજીકના ગામમાં સિંહ દેખાયા હતાં અને મારણ પણ કર્યું હતું. આ સિંહ હજી આ વિસ્તારમાં જ ફરી રહ્યા છે. સિંહો માટે નીલગાય સહિતનું મારણ નજીકના રામપરા વીરડી અને હિંગોળગઢ જંગલ વિસ્તારમાં મળી રહેતું હોવાથી માનવ વસ્તીને ખલેલ પહોંચાડે એવી સ્થિતિ નથી.

આગામી મે મહિનામાં જીપીએસ સહિતની અત્યાધુનિક સિસ્ટમથી સિંહની વસ્તીગણતરી બે-ત્રણ દિવસમાં સેંકડો બીટ ગાર્ડ અને વન્ય પ્રાણી નિષ્ણાતોની મદદથી પૂર્ણ કરવામાં આવશે. બીજી તરફ સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓની વધતી સંખ્યાના કારણે રેવન્યુ વિસ્તારમાં પણ ફરતા થઇ જતા મોટી સંખ્યામાં પશુપાલન માટેના પશુઓનું મારણ થઇ રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં ર૩,૦૮૮ પશુ-ઢોરનું મારણ વન્ય પ્રાણીઓ દ્વારા કરવામાં આવ્યું છે, જેના વળતર પેટે સરકારને કરોડો રૂપિયાનું વળતર પણ પશુપાલકોને ચૂકવવું પડયું છે. ૧-૭-ર૦૧૪ થી ૩૦-પ-ર૦૧પ સુધીના એક વર્ષમાં ૪૧૭પ પશુઓનું મારણ હિંસક વન્ય પ્રાણીઓ દ્વારા કરાયું હતું.

(4:37 pm IST)