Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

જેતપુરમાં ૮ કરોડના ખર્ચે કલેકશન સમ્પ બનશે

સાડી ઉદ્યોગ દ્વારા થતા વર્ષો જૂના પ્રદુષણને હવે મળશે દેશવટો !! : નવી બોડીના પ્રમુખ ભાવિકભાઇ વૈષ્ણવ સહિતની કારોબારોનો મહત્વકાંક્ષી નિર્ણય : દરેક કારીખાનેદારે પોતાના યુનિટનું પ્રદુષિત પાણી કલેકશન સંપ સુધી પહોંચાડવાનું રહેશે. : કલેકશન સંપનું પાણી પંપીંગ કરી ફિલ્ટર પ્લાંટ સુધી લઇ જવાશે

જેતપુર, તા. ર૪ : શહેરની ધોળી નસ સમો સાડી ઉદ્યોગ દેશ-દેસાવરમાં પ્રખ્યાત છે. આ સાડી ઉદ્યોગ દ્વારા શહેર ઉપરાંત પરપ્રાંતિય હજારો લોકોને રોજીરોટી પૂરી પાડે છે. આ સાડી ઉદ્યોગમાં સમયાંતરે નવી-નવી ટેકનોલોજી આવતા પ્રદુષણનો પ્રશ્ન ઉભો થવા લાગ્યો. જોકે આ સાડી ઉદ્યોગને ગ્રહણ ન લાગે તે માટે હરહંમેશ કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ પ્રશ્નો કર્યા છે એસોસીએશનના પ્રમુખ સહિતના હોદેદારોએ શહેરને પ્રદુષણ મુકત અને સાડી ઉદ્યોગથી વધુને લોકોને રોજીરોટી મળે માટે પ્રયત્નશીલ રહેલ છે.

છેલ્લા થોડા સમયથી પ્રદુષણનો પ્રશ્ન વકર્યો હોય એસોસીએશનના સતાના સમીકરણો બદલાયા બાદ નવી વરાયેલ  પ્રમુખ સહિતની કારોબારીએ વર્ષો જૂના પ્રદુષણના પ્રશ્નનોકાયમી નિકાલ લાવવા એકશન પ્લાન બનાવેલ છે. જેમાં નદીના તટમાં બનાવવામાં આવેલ કલેકશન સંપ તોડી પાડી શહેરમાં પથરાયેલ ઓપન ગટર બંધ કરી જુદા જુદા વિસ્તારોમાં કલેકશન સંપ બનાવવાનું નક્કી કરેલ છે.

થોડા સમય પહેલા નવા વરાયેલ પ્રમુખ ભાવિકભાઇ વૈશ્નવે કારોબારી સાથે આ પ્રશ્ને ચર્ચા કરતા એવું નક્કી કરેલ કે ટેન્ડરો દ્વારા દરેક કારખાનેદાર પોતાના યુનિટનું પ્રદુષિત પાણી ફીલ્ટર પ્લાન્ટ સુધી પહોંચાડે, પરંતુ તેમાં મુશ્કેલી ઉભી થાય તેમ હોય કેમ કે દરેક વિસ્તારોમાં પ્રિન્ટીંગ યુનિટો, પ્રોસેસ હાઉસો આવેલ છે. જો તે ત્યાંથી ફીલ્ટર પ્લાન્ટ સુધી ટેન્ડર મારફત નાખવા જાય તો ટ્રાફીક અને વધારાના ખર્ચનો પ્રશ્ન ઉપસ્થિત થાય.

પ્રદુષણ ભૂતકાળ બની જાય માટે ક્રાંતિકારી પગલુ લેતા હવે શહેરના જુદા જુદા વિસ્તારોમાં અંદાજીત ૭થી ૮ કરોડના ખર્ચે કલેકશન સંપ બનાવવામાં આવશે જે સંપમાં તે વિસ્તારના કારખાનેદારો પોતાના યુનિટનું પ્રદુષીત પાણી તે કલેકશન સંપમાં પહોંચાડી દે બાદ પમ્પીંગ કરી તે પાણી શુદ્ધિકરણ માટે ફીલ્ટર પ્લાન્ટ સુધી લઇ જવામાં આવશે.

સાડી ઉદ્યોગમાં એક તરફ મંદી ચાલી રહી છે ત્યારે બીજી બાજુ જો આવા પ્રશ્નો ઉપસ્થિત થાય તો શહેરનો સાડી ઉદ્યોગ ભાંગી પડે. પરંતુ આ પ્રશ્નનો કાયમી નિકાલ આવે અને સાડી ઉદ્યોગ ફરી ફુલેફાલે માટે એસોસીએશનની નવી કમીટીએ આ નિર્ણય કરતા પ્રદુષણ નામશેષ થઇ જશે અને ફરી કારખાનાઓ ધમધમવા લાગશે. અહીં પ્રિન્ટીંગ થયેલ સાડી, ડ્રેસ વિ. એકસસ્પોર્ટ કરવામા આવે છે જેથી હુંડીયામણ પણ સારૂ મળે છે.

આ ઉપરાંત સરકારની જેતપુરથી પોરબંદર સુધીની પાઇપ લાઇનની યોજનાને પણ ટુંક સમયમાં જ શરૂ કરવામાં આવશે જેથી ભવિષ્યમાં પાણી પ્રદુષણની સમસ્યા ઉપસ્થિત જ ન થાય આ માટે રાજુભાઇ પટેલ અને જયંતિભાઇ રામોલીયાના માર્ગદર્શન હેઠળ યુવા ડાયનેમીક પ્રમુખ ભાવિકભાઇ વૈશ્નવ તેમની ટીમ સાથે પૂરજોશથી કામગીરી કરી રહ્યા છે. તાજેતરમાં શહેરમાં પ્રદુષણની ભારે ફરીયાદો ઉઠતા એન.જી.ટી. (નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ)ની ટીમે બે દિવસ ધામા નાખી તપાસ કરેલ જેનો રીપોર્ટ બે માસ બાદ આવશે તેવું ચર્ચાય રહ્યું છે.

(2:04 pm IST)