Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

લાલપુરના જોગવડ ગામે રાત્રી સભામાં લોક પ્રશ્નો સાંભળતા જિ. વિકાસ અધિકારી

જામનગર તા.૨૪:તા.૨૧/૧૨/૨૦૧૯ના રોજ લાલપુર તાલુકાના જોગવડ ગામે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારીકએ રાત્રી-સભા યોજી હતી. જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને રાખેલ રાત્રી સભામાં બન્ને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ અફસાના મકવા અને કિર્તન પરમાર તથા લાલપુરના પ્રાંત અધિકારીશ્રી અને મામલતદારશ્રી સહિત પંચાયતના આરોગ્ય, મેલેરીયા, ખેતીવાડી, પશુપાલન, બાંધકામ, સિંચાઈ, આઈસીડીએસ, સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ અને લાલપુરના તાલુકા વિકાસ અધિકારીશ્રી દીપા કોટક તેમજ તાલુકા-ગ્રામ્ય કક્ષાના તમામ અધિકારી-કર્મચારી હાજર રહ્યા હતા.

પંચાયતના અધિકારીઓએ ઉપસ્થિત ગ્રામજનોને તમામ વિભાગોની વિવિધ સવલતો અને યોજનાઓ વિષે માહીતગાર કર્યા હતા. સાથોસાથ સરકાર દ્વારા અપાતી સુવિધાઓ, સેવાઓ અને લાભો વિષે પણ લોકોને વિસ્તૃત જાણકારી આપી હતી.

ત્યાર બાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પારીકે રાત્રી સભાને સંબોધી હતી, અને ગ્રામજનો તરફથી રજૂ થયેલ પ્રશ્નો, રજુઆતો અને ફરીયાદો સાંભળીને તેના નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગોને સુચના આપી હતી. ગ્રામજનો તરફથી સ્કુલની જગ્યા, આધાર કાર્ડનો કેમ્પ, એમપીડબલ્યુની દ્યટ હોવા અને સખી મંડળની રચના થવા, વગેરે જેવા વિવિધ મુદ્દે રજૂઆત કરાઇ હતી.

આ તમામ રજુઆતો પૈકી, સ્કુલની જગ્યા માટે એક અઠવાડિયામાં સર્વે કરવા, આગામી અઠવાડીયામાં જ આધારકાર્ડના કેમ્પનું આયોજન કરવા, એમપીડબલ્યુની દ્યટ માટે સત્વરે નિયમોનુસાર કાર્યવાહી કરવા, તેમજ સખી મંડળની રચના અંગે તાલુકા કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરવા લગત કચેરીના વડાઓને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતુ.

જોગવડના સરપંચ તરફથી ગામના બાળકો સ્વસ્થ અને કુપોષણ મુકત રહે તે માટે બન્ને આંગણવાડીઓને કૂકર તથા રાત્રી સભામાં આવેલા બાળકો માટે નાળીયેરપાણી અને ફ્રૂટ ડીશના વિતરણ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે કરવામાં આવેલ હતું.

જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જોગવડમાં રાત્રી સભાના સફળ અને સુંદર આયોજન બદલ તાલુકા વિકાસ અધિકારીશ્રી કોટક અને તાલુકા પંચાયત લાલપુરના સ્ટાફને બીરદાવ્યા હતા. તેમજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ જાગૃત ગ્રામજનોએ આ રાત્રી સભાને આવકારવા બદલ તેઓનો પણ આભાર વ્યકત કર્યો હતો.

(11:55 am IST)