Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

આજે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ

ગ્રાહકો સાથે થતી છેતરપીંડીની ફરીયાદ ઓનલાઇન પોર્ટલ ઉપર કરવાની સુવિધા

વિસાવદર, તા. ર૪ : સમગ્ર વિશ્વમાં નાગરિકો લોભામણી અને છેતરામણી જાહેરાતોથી દૂર રહે તેમજ જયારે કોઇપણ વસ્તુઓ ખરીદે છે ત્યારે પોતાના હક્કો અને અધિકારોથી વાકેફ બને તેવા આશયથી ઉજવવામાં આવતો દિવસ એટલે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ..

ભારતમાં નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને ગ્રાહક સુરક્ષા અધિનિયમ-૧૯૮૬થી કાયદો ઘડવામાં આવ્યો હતો, જેમાં આધુનિક સમયમાં છેતરાતા ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સરકાર દ્વારા નવો કાયદો ઓગષ્ટ ર૦૧૯માં અમલમાં લાવવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને ગ્રાહકને ભગવાન સમાન ગણીને તેના હિતોને ધ્યાને રાખવામાં આવ્યા છે. સમાજમાં રોલ મોડેલ બનેલા સેલીબ્રિટીઝના કારણે થતાં નુકશાન લોભામણી જાહેરાતોથી છેતરાતા ગ્રાહકોના હિતને પણ ધ્યાનમાં રાખીને થયેલા નુકશાનની ભરપાઇ કરવા તેમજ જેલની સજા સુધીની જોગવાઇ નવા કાયદામાં કરવામાં આવી છે.

ઉત્પાદનની નબળી ગુણવતા અને ગ્રાહક સાથે ગુણવત્તાલક્ષી છેતરપીંડીમાં વળતર આપવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. ગ્રાહકે ખરીદેલી વસ્તુઓની ગુણવત્તા અને સેવા સંબંધી ખોટ કે નુકશાન ગયું હોય, ઉત્પાદકની ક્ષતિઓ અને ગેરંટી વોરંટીના વાયદાનું પાલન ન થયું હોય તેવા કિસ્સામાં ગ્રાહકોને ખાસ વળતરના અધિકારો આપવામાં આવ્યા છે.

ગ્રાહકોને છેતરામણા વેપાર અને વસ્તુઓની ગુણવત્તા અને ગેરમાર્ગે દોરતી જાહેરાતોમાં દરેક વર્ગના ગ્રાહકોના હિતની જાળવણી કરવામાં આવી છે. લેખિત જાહેરાત હોય કે ઇલેકટ્રોનિક જાહેરાત તેની સામે જિલ્લા કલેકટર પ્રાદેશિક નિર્દેશક કાર્યલય કે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા ઓથોરીટી સહિતના તમામ તબક્કાના માધ્યમોમાં ફરીયાદો અને પગલા લેવાની જોગવાઇ કરવામાં આવી છે. ગ્રાહકો કોઇપણ જગ્યાએથી ફરીયાદ તો કરી શકે છે સાથે સાથે દરેક ફરીયાદીને જિલ્લા પંચ દ્વારા એક સોગંદનામા અને જરૂરી પુરાવાઓ આપવાથી પોતાની ફરીયાદોની સુનાવણી જવાબદાર પંચ દ્વારા વિડીયો કોન્ફરન્સથી જોડાવાની જોગવાઇ કરવામાં આવી છે. આ સાથે ફરીયાદના ના મંજૂર થવાના સ્પષ્ટ કારણો જાણવાનો અધિકાર, પંચ કોઇપણ ફરીયાદીની સુનાવણી વગર રદ નહીં કરી શકે. પંચને ર૧ દિવસમાં નોંધાયેલી ફરીયાદના ઉકેલના નિયમની સુનાવણી કરવાનો નિયમ ચુસ્તપણે પાળવાનો રહેશે. ર૧ દિવસમાં એ નિર્ણય કરવાનો રહેશે કે આ ફરીયાદ દાખલ કરવી કે નહીં.

ગ્રાહકોને ગેરમાર્ગે દોસ્તી જાહેરાતોના પ્રસારણ અને પ્રચાર માટે પણ આકરો દંડ અને ર થી પ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઇ પણ નવા કાયદામાં લાવવામાં આવી છે. આ સાથે નવા કાયદામાં વૈકલ્પિક તકરાર નિવારણ વ્યવસ્થાની જોગવાઇ પણ કરવામાં આવી છે. જેનાથી પ્રાથમિક તબક્કે કે પછી ત્યાર બાદના સમયમાં પણ ગ્રાહક અને છેતરપીંડી કરનાર બંને વચ્ચે સમાધાન થઇ શકે તેમ હોય તો માર્ગ મોકળો રાખવામાં આવ્યો છે. બંને પક્ષો માટે સમાધાનકારી જોગવાઇ પણ લાવવામાં આવી છે, આમ કહી શકાય કે નવા આવેલા ગ્રાહક સુરક્ષા કાયદામાં ગ્રાહકલક્ષી નિર્ણયો લેવામાં આવેલા છે, જે ગ્રાહકોને યોગ્ય ન્યાય આપી શકશે.

સંકલનઃ-

ડો. પરવેઝ યાસીન બ્લોચ

આસી. પ્રોફેસર લો કોલેજ-જૂનાગઢ

મો. ૯૯૭૯પ પ૩૯૯પ

(11:44 am IST)