Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

મોવિયામાં વિલેજ ડેવલોપમેન્ટ પ્લાન વિરુદ્ઘ કામગીરીઃ ટીડીઓને ફરિયાદ

મનમાની કરી ગામમાં એકીસાથે ૧૬ રોડ રસ્તા ખોદી નાખવામાં આવ્યાઃ લોકોને ભારે હાલાકી

ગોંડલ, તા.૨૪: ગોંડલના રાજકારણમાં ટર્નિંગ પોઈન્ટ ગણાતા મોવિયામાં  મનમાની કરી વિલેજ ડેવલોપમેન્ટ પ્લાન્ટના નિતી નિયમોનો ઉલાળિયો કરી મામકાવાદ દાખવી કામગીરી કરવામાં આવી રહી હોય સમગ્ર મામલો તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પહોંચવા પામ્યો છે.

મોવિયા ગામના આગેવાન અને જિલ્લા પંચાયતના સદસ્ય કિરણબેન આંદીપરાના પતિ કિશોરભાઈ આંદીપરાએ જણાવ્યું હતું કે ૧૪માં નાણાપંચની ગ્રાન્ટની રકમ નિયમ વિરુદ્ઘ ઈચ્છા પ્રમાણે વાપરવામાં આવી રહી છે, કામના નિયમ અનુસાર ઠરાવો કરવામાં આવ્યા નથી, મંજૂરી પણ મેળવી નથી, ગ્રામસભામાં કે પંચાયત સભામાં કામની વિગતોની ચર્ચા પણ કરવામાં આવતી નથી, તો આ અંગે ઉંડાણપૂર્વકની તપાસ થવી જરૂરી છે. જે અંગેની લેખિત ફરિયાદ ગ્રામ પંચાયતના સદસ્યો દ્વારા પણ ટીડીઓને કરવામાં આવી છે.

મનમાની કરી ગામના મુખ્ય ૧૬ માર્ગને ખોદી નાખવામાં આવ્યા છે બાદમાં આ કામ ખોરંભાતા હાલ વાહનચાલકો અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ ઉપરાંત ગામમાં સિમેન્ટ રોડ બનાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા આશરે ૨૩૦૦ નંગ સિમેન્ટ ની થેલીઓ મામકાવાદ દાખવી રૂ. ૩૩૦ મુજબ મળતિયાઓ પાસેથી ખરીદ કરાઈ છે, જો આજ સીમેન્ટની થેલીઓ ગુજરાત પુરવઠા નિગમ પાસેથી ખરીદ કરવામાં આવી હોત તો ગ્રામ પંચાયત ને એક સિમેન્ટ ની થેલી એ રૂપિયા ૧૨૦ નો ફાયદો જરૂરથી થયો હોત, તો રૂ. ૨૭૬૦૦૦ ની ઊંચા ભાવની સિમેન્ટની થેલીઓ બે માસ અગાઉ ખરીદી કરવાની શા માટે જરૂર પડી તે અંગેની ચર્ચા એ મોવિયા ગામમાં જોર પકડયું છે.

મોવિયામાં રોડ-રસ્તાના ખોરંભાયેલા કામ અંગે સરપંચ વાઘજીભાઇ પડાળિયા દ્વારા જણાવાયું હતું કે કેટલાક લોકો દ્વારા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં વાંધા અરજી દાખલ કરવામાં આવી હતી આ બાબતે સમાધાન થઇ જવા પામ્યું છે અને તાકીદે રોડ રસ્તાના કામો શરૂ થશે અને નિયમોનો કોઈ જગ્યાએ ઉલાળીયો કરવામાં આવ્યો નથી સિમેન્ટની થેલીઓની ખરીદી ઠરાવ મુજબ જ કરાય છે.

(11:06 am IST)