Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

સ્પર્ધાથી વિદ્યાર્થીઓને તક મળે છે, પરાજયની ચિંતા વગર મેદાનમાં ઝંપલાવોઃ અજય પ્રકાશ

કોડીનારમાં વોલીબોલ સ્પર્ધાના પ્રારંભ પ્રસંગે કલેકટરનો અનુરોધ

કોડીનાર ખાતે ગિર સોમનાથ જિલ્લા કલેકટર શ્રી અજય પ્રકાશે વિભાગીય વોલીબોલ સ્પર્ધાનો પ્રારંભ કરાવેલ તે પ્રસંગની તસ્વીર

વેરાવળ, તા.૨૪: રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગાંધીનગરના સંયુકત ઉપક્રમે જિલ્લા અમલીકરણ સમિતી અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ગીર સોમનાથ દ્રારા ખેલ મહાકુંભ-૨૦૧૯ અંતર્ગત ઝોનકક્ષાની અંડર-૧૭ ભાઈઓ/બહેનોની વોલીબોલ સ્પર્ધાનો શ્રી સોમનાથ ડીએલએસએસ સ્કુલ કોડીનાર ખાતે કલેકટરશ્રી અજયપ્રકાશના હસ્તે પ્રારંભ કરાયો હતો. જેમાં શ્રી દક્ષિણામર્તિ વિધામંદિર કોડીનારનો પણ સહયોગ મળ્યો હતો.

આ પ્રસંગે કલેકટરશ્રી અજયપ્રકાશે જણાવ્યું હતું કે, વિધાર્થીઓમાં રહેલી આંતરિક શકિતને વિકસાવવા સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરી જુદી-જુદી સ્પર્ધાઓ યોજવામાં આવે છે. આ સ્પર્ધાઓથી વિધાર્થીઓેને રમતગમત ક્ષેત્રે પ્લેટફોમ મળી રહે છે. વિધાર્થીઓ પરાજયની ચિંતા કર્યા વગર શ્રેષ્ઠ દેખાવ કરવા માટે મેદાનમાં તેમની કળા વિકસાવે. પુર્વ સંસદિય સચિવશ્રી જેઠાભાઈ સોલંકીએ કહ્યું કે, સરકારશ્રી દ્વારા રમતગમત ક્ષેત્રે અનેકવિધ સ્પર્ધાઓના આયોજન કરવામાં આવતા વિધાર્થીઓને રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવાની તક મળી છે. સોમનાથ એકેડમીના સંચાલકશ્રી કરશનભાઈ સોલંકીએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ. સ્પર્ધામાં ગુજરાત રાજયના સૌરાષ્ટ્રઝોનના ૧૫ જિલ્લાની અંદાજીત કુલ ૬૦ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં અંડર-૧૭ વયજુથના અંદાજિત ૭૨૦ જેટલા ભાઈઓ/બહેનો સહભાગી થયા હતા. જેમાં વિજેતા થયેલ પ્રથમ અને દ્રિતીય ટીમ રાજયકક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. આ કાર્યક્રમમાં નોડલ અધિકારીશ્રી બીપીનભાઈ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હરેશ મકવાણા, મામલતદાર અસવાર, અગ્રણી સુરસિંહભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની આભારવિધી જિલ્લા રમતગમત અધિકારી વિશાલ જોષીએ કરી હતી.

(11:50 am IST)