Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

મહુવા વિશ્વ હિન્દુ પરિષદનાં પ્રમુખ જયેશ ગુજરીયાની હત્યા

મિત્ર મહેશ ઉર્ફે ભોલુ ગંભીરઃ નવરાત્રી દરમિયાન આરોપીએ સાથે થયેલ બોલાચાલી કારણભૂતઃ હત્યા બાદ ઉશ્કેરાયેલા ટોળા દ્વારા તોડફોડઃ તંગદિલી

ભાવનગરઃ મહુવામાં વિ.હિ.પ. પ્રમુખની હત્યાનાં બનાવે ભારે તંગદિલી ફેલાવી હતી. ટોળાએ દુકાનો-લારીઓમાં તોડફોડ કરી હતી. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી શાંતિ માટે અપીલ કરી હતી (તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

 ભાવનગર, તા. ૨૪ :. ભાવનગર જિલ્લાના મહુવામાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અને તેના મિત્ર ઉપર ચાર શખ્સોએ છરી-પાઈપ વડે જીવલેણ હુમલો કરતા વિહિપ પ્રમુખની હત્યા થઈ છે જ્યારે તેના મિત્રને હોસ્પીટલ ખસેડાયેલ છે. આ બનાવથી ઉશ્કેરાયેલા ટોળાએ મહુવામાં તોડફોડ શરૂ કરતા દેકારો મચી ગયો હતો. ભાવનગરથી એસ.પી. સહિતના પોલીસ અધિકારીઓનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો છે.

આ બનાવની મળતી વિગતો મુજબ મહુવામાં ગાંધીબાગ પાસે બેઠેલા મહુવા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયેશ કિશનભાઈ ગુજરીયા (ઉ.વ. ૨૨) અને તેના મિત્ર મહેશ ઉર્ફે ભોલુ ઉપર બાઈક ઉપર આવેલા ૪ શખ્સો બાપુડી, અસ્લમપે, ઈમરાન ઉર્ફે ટીણીયો અને એક અજાણ્યા શખ્સ માથાના ભાગે છરી અને પાઈપ વડે જીવલેણ હુમલો કરી નાસી છૂટયા હતા. ઈજાગ્રસ્ત બન્નેને લોહીયાળ હાલતે પ્રથમ મહુવાની અને ત્યાર બાદ ભાવનગરની હોસ્પીટલમાં ખસેડાયેલ જ્યાં વિહિપ પ્રમુખ જયેશનું મોત નિપજતા બનાવ હત્યામાં પરીણમ્યો છે. જ્યારે જયેશમાં મિત્ર મહેશની સ્થિતિ પણ ગંભીર હોવાનું જાણવા મળેલ છે.

આ બનાવ બાદ લોકોના ટોળેટોળા એકઠા થયા હતા એ ઉશ્કેરાઈ રોષપૂર્વક કુબેરબાગ, મેઘદૂત નજીક દુકાનો, લારીઓમાં તોડફોડ કરી નુકશાન કરતા તંગદિલી મચી જવા પામી હતી.

બનાવની જાણ થતા જ ભાવનગર એસ.પી. મલ, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો મહુવા દોડી ગયો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી લોકોને શાંતિ માટે અપીલ કરી હતી.

મરનાર જયેશભાઈ ગુજરીયા (કોળી)ને નવરાત્રી દરમ્યાન આરોપીઓ સાથે બોલાચાલી થઈ હતી, તેની દાઝ રાખી આ હત્યા થઈ હોવાનું ખુલવા પામ્યું છે.

આ બનાવ અંગે મૃતક જયેશના પિતા કિશનભાઈ લક્ષ્મણભાઈ ગુજરીયા એ મહુવા પોલીસ સ્ટેશનમાં બાપુડી, અસલ્મપે, ઈમરાન ઉર્ફે ટીણીયો અને એક અજાણ્યા શખ્ત સહિત ચાર શખ્સો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

વિહિપના પ્રમુખની હત્યાના બનાવથી સમગ્ર જીલ્લામાં ચકચાર સાથે સનસનાટી મચી જવા પામી છે.

(10:29 am IST)