Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

મોરબી ગેંગવોર : હત્યા પ્રકરણમાં પાંચ શખ્સો ગોંડલ ચોકડી પાસેથી ઝડપાયા

અગાઉ પાંચ સહીત કુલ ૧૦ આરોપીઓની ધરપકડ.

મોરબીના ભક્તિનગર સર્કલ નજીક ગેંગવોરની ઘટનામાં મમુ દાઢી હત્યા પ્રકરણમાં અગાઉ પોલીસે પાંચ આરોપીને દબોચી લઈને રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કર્યા હતા જે ગેંગવોર હત્યા અને ફાયરીંગ પ્રકરણમાં પોલીસે વધુ પાંચ ઇસમોને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ગાડી પર અંધાધુંધ ફાયરીંગ કરીને મહમદ હનીફ ઉર્ફે મમુ દાઢી હનીફભાઈ કાસમાણીની હત્યા કરવામાં આવી હોય જે બનાવમાં પોલીસે હત્યા અને ફાયરીંગ સહિતની કલમો સાથે ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી જેમાં અગાઉ આરોપી ઈસ્માઈલ યારમામદ બ્લોચ, ઈરફાન યારમામદ બ્લોચ, રીયાઝ રજાક ડોસાણી, એજાજ આમદ ચાનિયા અને મુખ્ય કાવતરાખોર રફીક રજાક માંડવીયા એમ પાંચ આરોપીને ઝડપી લીધા હતા અને કોર્ટમાંથી રિમાન્ડ મેળવી રિમાન્ડ પૂર્ણ થયા બાદ પાંચેય ઇસમોને જેલહવાલે કર્યા હતા.
હત્યા પ્રકરણમાં હજુ પણ અનેક આરોપીઓ ફરાર હોય જેને ઝડપી લેવા માટે એ ડીવીઝન પોલીસ ટીમ તપાસ ચલાવતી હોય જેમાં પીઆઈ બી પી સોનારા સહિતની ટીમ તપાસમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે હત્યા પ્રકરણમાં સંડોવાયેલ ઈસમો રાજકોટથી જુનાગઢ જવાના હોય જે બાતમીને પગલે ગોંડલ ચોકડી પાસે વોચ ગોઠવી હતી જેમાં આરોપી ઇમરાન ઉર્ફે બોટલ હનીફ ચાનિયા રહે મોરબી કાલિકા પ્લોટ, અસ્લમ ઉર્ફે ટાવર અકબર કલાડીયા રહે મોરબી વિસીપરા, રમીજ હુશેનભાઈ ચાનિયા રહે મોરબી કાલિકા પ્લોટ, કૌશલ ઉર્ફે કવો રમેશભાઈ રામાનુજ મોરબી કબીર ટેકરી અને સુનીલ ઉમેશભાઈ સોલંકી રહે ખોરાણા તા. રાજકોટ એમ પાંચ ઇસમોને ઝડપી લઈને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.

(10:17 pm IST)