Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

હવે રેલ્વે સ્ટેશનો ઉપર પાતર-દુનામાં મળશે ખાદ્ય સામગ્રીઃ જેતલસર જંકશનથી શરૂઆત

રાજકોટ, તા., ર૪: પ્લાસ્ટીક ઉપર કડકાઇથી પાબંધીનો અમલ રેલ્વે સ્ટેશનો ઉપર થવા લાગ્યો છે. જેનો વિકલ્પ સ્ટોલ ધારકો શોધી રહયા છે. જો કે ગુજરાતમાં ભાવનગર ડીવીઝનના જેતલસર સ્ટેશન ઉપર કેટરીંગ સ્ટોલ ધારકોએ પ્લાસ્ટીકના વૈકલ્પ રૂપ પાંદડામાંથી બનેલા પાતર-દુનાનો સમોસા, કચોરી, ભજીયા જેવી ખાદ્ય સામગ્રી પીરસવા માટે શરૂ કર્યો છે. કેટલાક સ્ટોલ ધારકોએ કાગળની પ્લેટ અને એલ્યુનીમીનયમ ફોઇલથી બનેલી ડીશોનો ઉપયોગ શરૂ કરી દીધો છે.

જો રેલ્વે સ્ટેશન પર પાતર-દુનામાં ખાદ્ય સામગ્રી અને કુલડીમાં ચા મળવા લાગી તો વર્ષો જુની યાદો તાજી થશે. રેલ્વે સ્ટેશન ઉપર લગભગ દોઢથી બે દાયકા પહેલા પુર્વ રેલમંત્રી લાલુ પ્રસાદ યાદવે કુલડીમાં ચા આપવાનો હુકમ કર્યો હતો. જો કે થોડો સમય માત્ર શો-પિસ તરીકે કુલડી સ્ટેશન પર દેખાયા બાદ સંપુર્ણપણે ગાયબ થઇ ગઇ છે. હવે સ્ટેશનો ઉપર ફરીથી પાતર-દુના અને કુલડીના ઉપયોગની કવાયત ચાલી રહી છે.  અમદાવાદ રેલ્વે સ્ટેશન ઉપરના એક સ્ટોલ ધારકે કહયું કે, પ્લાસ્ટીકનો ઉપયોગ નહિ કરવા માટે કડક ચેતવણી આપવામાં આવી છે જેને લઇને અમે એલ્યુમીનીયમ ફોઇલવાળી ડીશોનો ઉપયોગ શરૂ કરી દીધો છે. જો કે રેલ્વેએ પાતર-દુનાનો વિકલ્પ પણ આપ્યો છે. હાલમાં તો માર્કેટમાં આ બંન્ને પુરી માત્રામાં ઉપલબ્ધ નથી. જો પર્યાપ્ત માત્રામાં લીલી પાંદડા મળશેતો તેનો પણ ઉપયોગ કરીશું.

(4:12 pm IST)