Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ભાવનગરમાં ગાંધી જયંતિ નિમિતે સ્વશિક્ષણ ગ્રામજીવનયાત્રાનો સર્વોત્તમ ડેરીથી શુભારંભ

 ભાવનગર તા. ર૪ :.. ગુજરાત વિદ્યાપીઠના રાંધેજા સંકુલના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની આ વર્ષની ૧૩મી ગ્રામજીવનયાત્રા ભાવનગર, બોટાદ અને રાજકોટ જિલ્લાની તા. રર-૯- થી તા. ર૬-૯ સુધી ઉત્તર બુનિયાદીની તાલીમની સંસ્થાઓ અને તેની આસપાસના ગામડાઓમાં યોજવા માટે આજરોજ સર્વોત્તમ ડેરી સિહોરના ચેરમેન શ્રી મહેન્દ્રભાઇ પનોત તથા મેનેજીંગ ડીરેકટરશ્રી એચ. આર. જોષીએ શુભેચ્છા આપી પ્રસ્થાન કરાવેલ.

આ પ્રસંગે આ પદયાત્રા સમિતિના સંજયભાઇ મકવાણાએ ગ્રામજીવન યાત્રાનો હેતુ સમજાવેલો જેમાં તેનો મુખ્ય હેતુ સ્વચ્છતા, વ્યસનમુકિત, ગ્રામભાવના અને સાક્ષરતા તથા આ વર્ષની વિશેષ ગાંધીજી તથા કસ્તુરબાની ૧પ૦મી જયંતિ તથા ગુજરાત વિદ્યાપીઠના શતાબ્દિ પર્વની ઉજવણીના ભાગરૂપે ગાંધીજીના ગ્રામસ્વરાજની ભાવનાને ઉજાગર કરવાની વાત કરી હતી.આ પ્રસંગે ચેરમેન શ્રી મહેન્દ્રભાઇ પનોતે ગામડાના સ્વરૂપનું વર્ણન અને તેની સંસ્કૃતિ જાણવા વિદ્યાર્થીઓને હાકલ કરી હતી. આ ઉપરાંત ભારતના ગામડા થકી જ ભારત દેશનો વિકાસ થઇ શકશે. ગામડામાં રહેલી આપણી ગ્રામ્ય સંસ્કૃતિને વિદ્યાર્થીઓ સમક્ષ વાગોળી હતી.

આ યાત્રામાં ગુજરાત વિદ્યાપીઠના રાંધેજા સંકુલના ૩૩૯ વિદ્યાર્થીઓ ૧૬ અધ્યાપકો જુદી જુદી ટૂકડીઓ દ્વારા આંબલા, મણાર, બેલા, હાથબ, માનપુર, વાળુકડ, ગોપનાથ, લોઇચડા, બપાડા, દૂધાળા વિગેરે વિસ્તારમાં તા. રર થી ર૬ ફરીને ગ્રામજીવનને જાણવા સમજવાનો પ્રયત્ન કરશે.

(11:38 am IST)