Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

જુનાગઢમાં સિન્ધુ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા નવરાત્રી મહોત્સવ : સમસ્ત સિંધી સમાજ

જુનાગઢમાં નવરાત્રીમાં દિકરી જન્મે તો ૧ લાખ ૧ હજારનું બોન્ડ : દૂનિયાના ૧૮ દેશોમાં જુનાગઢ સિંધી સમાજના ગરબા લાઇવ દેખાયા : સિન્ધુત્સવ નવરાત્રીમાં પર્યાવરણ, વ્યસન મુકિતને પ્રોત્સાહનઃ પત્રકાર પરિષદમાં વિગતો આપતા આયોજકો

જુનાગઢ તા ૨૩:  જુનાગઢ રેલ્વે સ્ટેશન રોડ સ્થિત સરોવર પોર્ટીકો હોટલ ખાતે સિન્ધુ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા ગત વર્ષથી નવરાત્રી મહોત્સવની સફળતા બાદ આ વર્ષે પણ  નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યુ છે, જેની વિગત આપવા પત્રકાર પરિષદ યોજાઇ હતી, જેમાં પ્રમુખ સુનિલભાઇ નાવાણી, ઉપપ્રમુખ કિશોર અજવાણી, રાજુભાઇ નંદવાણી, ગીરીશ કાંજાણી તેમજ હરેશભાઇ ગોધવાણી સહિતના ઉપસ્થિત રહી વિગતો આપી હતી.

સિંધી સમાજના જુનાગઢ નિવાસી યુવાનોએ સિંધુ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા ગત વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યુ હતું. જેમાં  મળેલ સફળતા અને લોકોના ઉત્સાહને પ્રોત્સાહિત કરવા ચાલુ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ કંઇક અલગ અંદાજથી ઉજવાય તે દિશામાં આયોજન કર્યુ છે. જુનાગઢ સિંધુ વેલ્ફેર ફાઉન્ડેશનના પ્રેસિડન્ટ સુનિલભાઇ નાવાણીએ વિગતોમાં જણાવ્યું હતું કે સિંધી સમાજના સઘળા પર્વો અને રાષ્ટ્રભાવનાથી છલકાતા જોવા મળે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની દેશહિતની અને પ્રજાભિમુખ યોજનાઓ અને કાર્યોને પ્રાત્સાહિત કરવા અમારો સિંધી સમાજ સદેવ અગ્રેસર બની રહ્યો છે. આ વર્ષની નવરાત્રી ફીટ-ઇન્ડિયા, કલીન ઇન્ડીયા, બેટી બચાવો, બેટી પઢાવો, બેટી વધાવો, અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ પ્રોજેકટનો અમલ કરી ઉજવવાનું નક્કી કરેલ છે. બેટી બચાવો અભિયાનમાં સિંધી સમાજ દ્વારા આ નવરાત્રી દરમ્યાન એટલે કે ૨૮ સપ્ટેમ્બરથી ૭ ઓકટોબર દરમ્યાન જુનાગઢ મહાનગર વિસ્તારમાં જે સિંધી પરિવારને ત્યાં દિકરી જન્મે તે બાળાને રૂI એક લાખ એક હજારનો બોન્ડ આપવામાં આવશે, એટલે કે દિકરી જન્મતાની સાથે જ લખપતિ હશે. આ વર્ષની ગરબીમાં અમો જંક ફુડના બદલે સિંધી પરંપરાગત ફુડ કોર્ટ પણ શરૂ કરીશું. નવરાત્રી પરિસરમાં તંમાકુ  યુકત બનાવટની કોઇ ચિજો વેચાણ કે ઉપયોગ કરવા પ્રતીબંધ રાખીશું નવરાત્રીએ નાચવા ગાવાનો પ્રોગ્રામ ના રહે  તેના બદલે સિંધી સમાજની સંસ્કૃતિ અને સંસ્કારોનું ઉતમ માધ્યમ બની રહે તે દીશામાં કાર્ય કરવામાં આવશે. આ તકે રાજુભાઇ નંદવાણી, કિશોરભાઇ અજવાણી, ગીરીશભાઇ કાંજાણી, દિલીપભાઇ બહીરવાણી, હરેશભાઇ ક્રીપલાણી ઉપસ્થિત રહયા હતા.

(1:13 pm IST)