Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ભાવનગરમાં પૂ. મહંતસ્વામીનો જન્મોત્સવ ઉજવાશે

૨૯મીથી ૧૧ દિવસ સુધી અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો : ૬૦૦ સંતો-મહંતો તથા હરિભકતો ઉમટશે

ભાવનગર તા. ૨૪ : બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડીની યાદી જણાવે છે કે, આગામી તા. ૨૯ થી તા. ૧૦ ઓકટો. સુધી બાર દિવસનો અક્ષરવાડી ખાતે ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર વિશ્વ વંદનીય પરમ પૂજય મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં 'બ્રહ્મના સંગે બ્રહ્મના રંગે' થીમ આધારીત દેશ-વિદેશના ૬૦૦થી વધુ સંતો મહંતો હરિભકતોની ઉપસ્થિતિ એક મીની કુંભમેળાની અનુભૂતિ થશે. રોજ સવાર સાંજ સવાધ કિર્તન ભકિત, પ્રેરક સંતોના પ્રવચનો, છટાદાર સંવાદો, આકર્ષક લોકનૃત્ય, રસપ્રદ દ્રશ્ય - શ્રાવ્ય કાર્યક્રમોની પ્રભાવક પ્રસ્તુતી એલઇડી સ્ક્રીન પર થશે. વિવિધ દિન સાથે સાથે પૂ. મહંત સ્વામી મહારાજની પ્રાંતઃ પુજા દર્શન તથા અમૃત વાણીનો લાભ મળશે. પૂ. પ્રમુખસ્વામી મહારાજના દ્વિતીય સ્મૃતિ પર્વનો સમૈયો ધામધૂમથી ઉજવાશે.

આ સમગ્ર કાર્યક્રમનો લાભ લઇ અવગુણોની સફાઇથી અને સદ્ગુણોની વાવણીથી ઘરમાં સુખ-શાંતિને પધરાવીએ. આખા વર્ષના બાર ઉત્સવોની અલૌકિક ઝાંખી ભગવાનના શણગારો દ્વારા મંદિરમાં કરવામાં આવશે.

આ કાર્યક્રમ માટે પૂ. મહંત સોમપ્રકાશસ્વામી તથા પૂ. યોગવિજયસ્વામીના માર્ગદર્શનથી પૂ. ત્યાગરાજસ્વામી તથા કાર્યકરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. તા. ૨૯ શનિવારે સ્વાગત દિન ઉજવાશે. તા. ૩૦ને રવિવારે બાળ દિન, તા. ૧ ઓકટો. સોમવારે સત્સંગ દિન, તા. ૩ને બુધવારે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનો ૮૫મો જન્મ જયંતિ મહોત્સવ તથા રકતદાન યજ્ઞ ઉજવાશે. તા. ૪ને ગુરૂવારે શ્રી હરી (ભગવાન સ્વામીનારાયણ) અને પ્રમુખસ્વામી મહારાજનું સ્મૃતિ, તા. ૫ને શુક્રવારે મહિલા દિન સાંજે ૫ થી ૮, તા. ૬ને શનિવારે સત્સંગ દિન, તા. ૭ને રવિવારે યુવા દિન, તા. ૮ને સોમવારે સત્સંગ દિન, તા. ૯ને મંગળવારે છાત્રાલય દિન, તા. ૧૦ને બુધવારે કાર્યકર દિન ઉજવાશે.

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રાતઃપૂજા દર્શન દરરોજ સવારે ૫.૧૫ થી ૭.૧૫ જેના દર્શનનો લાભ સૌવ કોઇ લઇ શકશે.

દરરોજ સાંજના કાર્યક્રમો ૫.૩૦ થી ૮ રહેશે. પૂજ્ય મહંતસ્વામી મહારાજનો જન્મ જયંતિ મહોત્સવનો તા. ૩ને સાંજે ૫ થી ૮ રહેશે તથા તેનું સ્થળ મહારાજાશ્રી કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનું સીડફાર્મ ગ્રાઉન્ડ રહેશે. બાકીના કાર્યક્રમો શ્રી સ્વામિનારાયણ મંદિર, અક્ષરવાડી રોડ, ભાવનગર રહેશે.(૨૧.૧૬)

(11:55 am IST)