Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

અનરાધાર વરસાદથી આખુંયે કચ્છ થયું પાણી પાણી : આજે અબડાસામાં ૯ , લખપતમાં ૬ ઈંચ દે ધનાધન વરસાદ સાથે અન્યત્ર સતત બીજે દિ' પણ ધોધમાર

છેલ્લે ૨૦૧૫ માં ઓગનેલું હમીરસર તળાવ હવે ક્યારે ઓગનશે તેની સતત ચાતક નજરે રાહ જોતા ભુજવાસીઓ

(ભુજ) કચ્છના સરહદી તાલુકાઓ અબડાસા, લખપત માં આજે મેઘરાજાએ દે ધનાધન તોફાની બેટિંગ કરી એક દિવસ મોડી કરેલ એન્ટ્રીનું સાટું વાળી દીધું છે. કચ્છમાં રાત્રે ૧૧ વાગ્યા સુધીના વરસાદના આંકડાઓ આ પ્રમાણે છે.

અબડાસા નવ ઈંચ, લખપત છ ઈંચ, જ્યારે કચ્છના અન્ય તાલુકાઓ કે જ્યાં સતત બીજા દિવસે પણ વરસાદ પડ્યો છે, ત્યાંના આકડાઓ આ પ્રમાણે છે. ભુજ, માંડવી અને રાપર ચાર ઈંચ, ગાંધીધામ, મુન્દ્રા, નખત્રાણા ૩ ઈંચ અને અંજારમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે.

જોકે, અગાઉ પડેલા વરસાદ ત્યારબાદ ગઈકાલ અને આજે વધુ ૪ ઈંચ વરસાદ પછી પણ ભુજનું હમીરસર તળાવ નહીં ઓગનાતાં લોકોમાં સતત ચર્ચા રહી હતી. ભુજ પાલિકા દ્વારા હમીરસર તળાવની પાણીની આવ પ્રત્યે બેદરકારી, વહેણ ઉપર દબાણ, તળાવમાં આવતા પાણીનું લીકેજ જેવા સવાલો લોકોમાં અને સોશ્યલ મીડીયામાં ચર્ચામાં રહ્યા છે. તેમાંયે ભુજની વાણીયાવાડ બજારમાં લહેરાતું પાણી જોયા પછી લોકોએ વ્યંગ કર્યો હતો કે, હજીયે હમીરસર કેમ ઓગનતું નથી.

(12:58 am IST)