Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

મચ્‍છુના ઘોડાપૂરમાં રાયસંગપર ગામે પિતા-પુત્ર તણાયા

મુશળધાર વરસાદથી મચ્‍છુ ડેમ ઓવરફલો, ૧૪ દરવાજાઓ ખોલી નંખાયા ટંકારામાં માત્ર ર કલાકમાં જ સાડા છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો

મોરબીઃ છેલ્લાં કેટલાંય દિવસથી સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યનાં અનેક જિલ્લાઓ મુશળધાર વરસાદથી જળબંબાકાર થઇ ગયા છે. એવામાં ચારે બાજુ વરસી રહેલા સાર્વત્રિક વરસાદને પગલે સૌરાષ્ટ્રના મોરબીમાં મચ્છુ નદી (Machchhu River) બે કાંઠે વહેવા લાગી છે. ભારે વરસાદને કારણે મોરબીનો મચ્છુ ડેમ ઓવરફલો થયો છે. હાલમાં મચ્છુ ડેમના 14 દરવાજાઓ ખોલી નાખવામાં આવ્યાં છે. ડેમમાં 69 હજાર 552 ક્યુસેક પાણીની આવક થઇ છે. હાલમાં તંત્ર દ્વારા પણ નદી (Machchhu River) ના પટમાં અવરજવર ન કરવા અંગેની સૂચના આપવામાં આવી છે. બીજી બાજુ મોરબી જિલ્લાનાં રાયસંગપર ગામે પિતા-પુત્ર તણાયા હોવાની ઘટના સામે આવી છે.

મોરબી જિલ્લાના રાયસંગપરથી હળવદ આવતા પિતા-પુત્ર પાણીમાં તણાયા હતાં. પુત્ર પાણીમાં તણાયા બાદ પિતા તેને બહાર કાઢવા જતા તેઓ બંને પાણીમાં તણાયા હતાં. જો કે બંને પાણીમાં તણાતા તેઓના રેસ્ક્યૂ માટે તંત્રને જાણ કરાઇ હતી. હળવદનાં TDO સ્થળ ઉપર જવા રવાના થઇ ગયા છે. જ્યારે તંત્ર દ્વારા પિતા-પુત્રનું રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું છે.

મોરબીના ટંકારામાં માત્ર 2 કલાકમાં જ સાડા છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેના લીધે નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં 8 લોકો ફસાયાં હતાં કે જેઓનું તંત્ર દ્વારા રેસ્ક્યુ કરાયુ હતું. મચ્છુ નદી હાલમાં બે કાંઠે વહી રહી છે. ત્યારે વહેતી નદીનાં દ્રશ્યો જોવા માટે લોકોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી છે. પરંતુ લોકોને તંત્ર દ્વારા નદી કિનારે ન જવાની અપીલ કરવામાં આવી રહી છે. મચ્છુ માતાજીનું મંદિર પણ નદીના પાણીમાં ગરકાવ થઈ ગયું છે.

મોરબી જિલ્લામાં વહેલી સવારે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. મોરબી જિલ્લામાં વહેલી સવારે 2 કલાકમાં હળવદમાં 3 ઈંચ, મોરબીમાં 2 ઈંચ, ટંકારામાં પોણો ઈંચ, વાંકાનેર અને માળીયામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે મોરબી જિલ્લાનાં ટંકારમાં છેલ્લાં 18 કલાકમાં 10 ઈંચથી પણ વધારે વરસાદ નોંધાયો છે.

ધોરાજીનું છત્રાસા ગામ જળબંબાકાર

આ ઉપરાંત રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા છત્રાસા ગામે આભ ફાટ્યું હતું. જ્યાં માત્ર 3 જ કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જેથી મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં અને ખેતરો પણ પાણી-પાણી થઇ ગયા હતાં. રવિવારે વરસેલા ધોધમાર વરસાદને કારણે છત્રાસા આખુંય ગામ પાણી-પાણી થઈ ગયું હતું.

ટંકારાનો ડેમી-1 ડેમ પણ ઓવરફલો

રાજ્યમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદ વચ્ચે મોરબી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેથી ભારે વરસાદને કારણે મોરબીના ટંકારાનો ડેમી-1 ડેમ પણ ઓવરફ્લો થયો છે. ડેમી-1 ડેમ 45 સેમીથી ઓવરફ્લો થયો છે. ભારે વરસાદને કારણે હાલ ડેમમાંથી 10631 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. જેથી ડેમમાંથી પાણી છોડાતા ડેમી નદી બે કાંઠે વહી રહી છે.

(7:31 pm IST)