Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

ધોરાજી પાલિકાનાં પ્રમુખપદે અંજનાબેન ભાષા-ઉપપ્રમુખપદે ઇમ્તિયાઝભાઇ પોઠીયાવાલા બિનહરીફ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૨૪: ધોરાજી નગરપાલિકા ટાઉનહોલ ખાતે અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ડેપ્યુટી કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.આ પ્રસંગે કોંગ્રેસ ના સત્તાધારી પ્રમુખ ડી એલ ભાષા જેઓ અનુ.જાતિના હોય અને અનુ.જાતિના પ્રમુખ તરીકે અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરેલ હોય બાદ અઢી વર્ષ માટે સામાન્ય સ્ત્રી અનામત આવતા તેમની ચુંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો હાજર હતા જેમાં સર્વાનુમતે અંજનાબેન મયુરભાઈ ભાષા પ્રમુખ તરીકે તેમજ ઉપપ્રમુખ તરીકે ઈમ્તિયાઝભાઈ પોઠીયાવાલા ચૂંટાઈ આવ્યા હતા.

નગરપાલિકા કચેરી ખાતે ટાઉનહોલમાં યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ શાસનમાં સત્ત્।ાધારી પક્ષના પ્રમુખ તરીકે અંજનાબેન મયુરભાઈ ભાષા તેમજ ઉપપ્રમુખ તરીકે ઈમ્તિયાઝ ભાઈ પોઠિયા વાલા બિનહરીફ ચૂંટાઇ આવતા તેમનો સ્વાગત દલિત સમાજ તેમજ મુસ્લીમ સમાજના આગેવાનો એ કર્યું હતું અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે નગરપાલિકા ના વર્તમાન પ્રમુખ ડી એલ ભાષા એ જણાવેલ કે અઢી વર્ષના શાસન દરમિયાન ધોરાજીના સમગ્ર વિસ્તારના રોડ રસ્તાનો વિકાસ કામો કર્યા છે અને બની શકે તેટલી લોકોની વચ્ચે રહી અને ધોરાજીના વિકાસ કાર્યને આગળ ધપાવવા માટે મહેનત કરી છે ત્યારે અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં નવા પ્રમુખ તરીકે મારા નાના ભાઇના પુત્રવધુ અંજનાબેન મયુરભાઈ ભાષા પ્રમુખ તરીકે આવ્યા છે અને ઉપપ્રમુખ તરીકે ઈમ્તિયાઝભાઈ પોઠીયાવાલા સર્વાનુમતે ચૂંટાયા છે ત્યારે બંનેને ખૂબ અભિનંદન પાઠવું છું અને ધોરાજીના વિકાસકાર્યો માટે હું પણ એમની જોડે સતત સેવા કાર્યમાં જોડાઈ અને ધોરાજીનો વિકાસ આગળ વધે તે બાબતે સૌનો આભાર માન્યો હતો.

મહત્વની બાબત એ છે કે આજની આ ચૂંટણી કોંગ્રેસ શાસિત હોય અને વર્તમાન ધારાસભ્ય લલીતભાઈ વસોયા ગેરહાજર રહ્યા હતા અને નગરપાલિકાના વર્તમાન ઉપપ્રમુખ મકબુલભાઈ ગરાણા ગેરહાજર જોવા મળ્યા હતા

નગરપાલિકા ખાતે ચૂંટણીમાં કોઇ અવ્યવસ્થા ન સર્જાય તે માટે કાયદો અને વ્યવસ્થા બાબતે ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર હુકુમતસિંહ જાડેજા મહિલા પીએસઆઇ મહિનાબેન કદાવલા તેમજ સઘન પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

(3:13 pm IST)