Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

ભારે વરસાદથી કચ્છના નવા બનેલા નર્મદાપુલની બન્ને સાઈડ બેસી ગઈ- જળાશયો થયા છલોછલ :૨૦ મધ્યમ ડેમમાંથી ૧૧ ડેમ ઓગનાયા, બે ઓગનવાની તૈયારી, રાપરનું તળાવ ઓગનાયું, ભુજનું હમીરસર ૪ ફૂટ જેટલું બાકી, વરસાદને પગલે અનેક ગામોને એલર્ટ

(ભુજ) કચ્છમાં છેલ્લા ૩૦ કલાકથી પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે. જોકે, રાપર ધોળાવીરા વચ્ચે નર્મદા કેનાલ ઉપર બનેલા નવા પુલની બન્ને સાઈડો બેસી જતાં બસ સહિતના અનેક વાહનો ફસાઈ ગયા હતા. જ્યારે કચ્છના મધ્યમકક્ષાના ૨૦ ડેમ પૈકી આજે ત્રણ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. બે ઓવરફ્લો થવાની તૈયારી છે. ગત અઠવાડિયે ૮ ડેમ ઓવરફ્લો થઈ ગયા હતા તે ફરી આ વરસાદમાં ઓવરફ્લો થઈ ગયા છે. કુલ ૧૩ ડેમ ઓવરફ્લો થયા જ્યારે અન્ય ૭ માં પણ સારું પાણી આવ્યું છે. ગઈકાલે અંજારનું તળાવ ઓવરફ્લો થયા બાદ આજે રાપરનું તળાવ ઓવરફ્લો થઈ ગયું છે. તો, ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ ઓવરફ્લો થવામાં ૪ ફૂટ જેટલું બાકી છે. કચ્છના અનેક ગામોમાં નદીઓ ફરી બે કાંઠે વહેતી થતાં લોકોના જીવ અદ્ધર થયા હતા. અનેક જગ્યાએ વાહનવ્યવહાર પણ અટવાયો છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.

(2:57 pm IST)