Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

ભુજમાં ગટર મિશ્રિત ડીડીટી વાળા પાણી વિતરણથી ખળભળાટ- ઉલટી ઉબકાની ફરિયાદ : ભુજ પાલિકાની ઘોર બેદરકારી, ફરિયાદ પછીયે નાગરિકોને ઉદ્ધત જવાબ, કચ્છ ભાજપ જિલ્લા પ્રમુખે પણ ભુજ પાલિકા તંત્ર ખાડે ગયું હોવાની કરેલી કબુલાતની વાયરલ ટેપે ચકચાર સર્જી

(ભુજ) ભુજના પોશ ગણાતા વિસ્તાર સંસ્કારનગર વિસ્તારને અડીને આવેલા શક્તિનગર ૧ અને ૨ સોસાયટીમાં ગટર મિશ્રિત ડીડીટી વાળા પાણીના વિતરણના કારણે લોકોને ઉલટી ઉબકા સાથે આરોગ્યની સમસ્યા સર્જાઈ છે. 

આ વિસ્તારમાં રહેતા નાગરિક નિરવભાઈ પટ્ટણીએ આ અંગે ભુજ પાલિકા તંત્રનું ધ્યાન દોરતાં જવાબદાર અધિકારીએ ઉદ્ધત વર્તન સાથે તોછડો જવાબ આપી હાથ ખંખેર્યા હતા. અહીં રહેતા નાગરિક નીરવ પટ્ટણીએ પોતાના વૃદ્ધ માતા પિતા સહિત સોસાયટીના અન્ય રહેવાસીઓને ઉભી થયેલી ઉલટી ઉબકાની સમસ્યા અંગે ભુજ પાલિકા તંત્રનું ધ્યાન દોર્યું હતું. 

પણ જવાબદાર અધિકારીના હાથ ખંખેરતા બેદરકારીભર્યા રવૈયાને કારણે તેમણે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં જ ભુજના પ્રમુખસ્વામીનગરમાં ગટરની સમસ્યાથી નવો રોડ ખોદયા બાદ પેચ કરેલા ખાડાવાળો રોડ ફરી તૂટી જતાં તે અંગે જાગૃત નાગરિકો દ્વારા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલને પૈસાના બગાડ અને ભ્રષ્ટાચાર બાબતે ફરિયાદ કરાઈ હતી. જે સંદર્ભે કચ્છ ભાજપ પ્રમુખે ખુદ કબુલ્યું હતું કે, ભુજ પાલિકાનો વહીવટ ખાડે ગયો છે, કોઈ સંગઠનનું પણ માનતા નથી. આ ટેપ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ છે અને  ભુજ પાલિકાનો વહીવટ ચર્ચામાં આવ્યો છે. જોકે, તેમ છતાંયે શાસકો અને અધિકારીઓનો રવૈયો ન સુધરતાં ભુજ પાલિક લોકોમાં ટીકાનું કેન્દ્ર બની રહી છે.

(1:48 pm IST)