Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

જામનગરનો રણજીતસાગર-આજી-૩, ઉંડ-૧-ર, કંકાવટી ડેમ ઓવરફલો

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક ડેમો ઓવરફલો થતા પાણી પ્રશ્ન હલઃ રાજકોટ જીલ્લામાં પાણીમાં ફસાયેલા ૪૦ લોકોને બચાવી લેવાયા

રાજકોટ તા. ર૪: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદના પગલે અનેક ડેમો ઓવરફલો થયા છે.

રાજકોટ જીલ્લામાં ભારે વરસાદના પાણીમાં ફસાયેલા ૪૦ લોકોને તંત્રએ રેસ્કયુ કરીને સલામત સ્થળે ખસેડયા હતા.

સૌરાષ્ટ્રમાં મેઘરાજા સોળે કળાએ ખીલી વરસતા પ૦ થી વધુ ડેમ છલકાયા હતા અને ૭૦થી વધુ ડેમમાં વરસાદ પાણીનો ધસમસતો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો હતો. સુરેન્દ્રનગરનો ફલકુ અને જુનાગઢનો ઝાંઝેશ્રી ડેમ ઓવરફલો થયો હતો.

રાજકોટ જિલ્લામાં ભાદર, ફોફળ, આજી-૧, સોડવદર, સુરવો, ગોંડલી, વાછપરી, વેરી, મોતીસર, ફાડદંગ બેટી, ખોડાપીપર, લાલપરી, છાપરવાડી-૧ અને ર, ભાદર-ર એમ ૧પ ડેમ ઓવરલો થયા બાદ પણ વરસાદી પાણીની આવક ચાલુ છે. જયારે ૧૦ ડેમમાં નવા નીરની આવક ચાલુ છે. મોરબીના મચ્છુ-૧-ર, બંગાવડી, બ્રાહ્મણી-૧, ઘોડાધોઇ ડેમમાં નવા નીર આવ્યા હતા. જામનગરના ઉંડ-ર ડેમમાં વરસાદી પાણીની આવકથી ડેમના ર દરવાજા ૪ ફુટ ખોલાયા હતા. માળીયા હાટીનાનો વૃજમી ડેમ ૯૪ મીટરની ભયજનક સપાટી વટાવી જતા ડેમના ડેમના ૭ દરવાજા અડધો ફુટ ખોલી નખાયા હતા. ઉપલેટાના મોજ ડેમના ૩ પાટીયા ર ફુટ અને વેણું-ર ડેમના પ પાટીયા ૩ ફુટ ખોલાયા. ભાવનગરના ૬ ડેમ, બોટાદના પ, જુનાગઢમાં ૧૩, ગીર સોમનાથના પ અને પોરબંદરના ૭ ડેમમાં વરસાદનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો હતો.

જોડિયા

(રમેશ ટાંક દ્વારા) જોડિયાઃ જોડિયા નજીકના ઉંડ-ર ડેમનાં ૧૦ દરવાજા ૪ ફુટ ખોલવામાં આવ્યા છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગરને પીવાનું પાણી પુરૃં પાડતો રણજીતસાગર ડેમ બીજી વાર એક ફૂટે...આજી ૩...અને ઉંડ ચાર ફુટ ઓવરફલો થયા છે. નીચાણવાળા વિસ્તારના લોકોને નદીના પટમાં ન જવા તંત્રેએ ચેતવણી આપી છે.

ફલ્લા

(મુકેશ વરીયા દ્વારા) ફલ્લાઃ જામનગર જીલ્લાના ફલ્લા નજીકના કંકાવટી ડેમના ૩ દરવાજા ખોલવામાં આવ્યા છે ફલ્લામાં ૮ ઇંચ વરસાદ પડયો છે.

(12:56 pm IST)