Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

મુળી-૭, વઢવાણ, લખતર, થાનગઢ-૬ાા, સાયલા, ધ્રાંગધ્રામાં ૪ ઇંચ : લીંબડી સહિત ઝાલાવાડમાં પણ મેઘો જામ્યો

લીંબડીમાં મંદિરમાં પાણી ફરી વળતા મૂર્તિઓ ડૂબી ગઇ : લખતરના ધણાદ ગામે મંદિરની દિવાલ તૂટી ગઇ : ધ્રાંગધ્રાના ખાંભડાનું તળાવ છલકાયુ : ધોળી ગામનો રસ્તો બંધ : સડલાથી કોરડાના રસ્તા ઉપર પાણી ભરાતા રોગચાળાનો ભય

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૪ : લીંબડી શહેરના અનેક વિસ્તારો સહિત મકાનોમાં વરસાદી પાણીના નિકાલના અભાવે પાણી ફરી વળ્યાં હતાં અને લોકોના ઘરમાં પાણી ઘુસી જતાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જયારે બીજી બાજુ લીંબડી શહેરના ભલગામડા ગેઈટ પાસે આવેલ ભીમનાથ મહાદેવના મંદિરમાં પણ વરસાદી પાણીના નિકાલ ના અભાવે મંદિરમાં પાણી ફરી વળ્યાં હતાં જેમાં મંદિરના પટાંગણ સહિત શિવલીંગ અને મૂર્તિઓ વરસાદી પાણીમાં ડુબી જતાં દર્શનાર્થીઓ સહિત લોકોને ભારે હાલાકી પડી હતી. જયારે લીંબડી તાલુકાના ગામોમાં પણ ધોધમાર વરસાદને પગલે કોઝવે, નાળાઓ પર પાણી ફરી વળ્યાં હતાં આમ લીંબડી તાલુકામાં વરસાદને પગલે શહેરીજનો, રહિશો સહિત વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

લખતર, ધ્રાંગધ્રા, પાટડી, મુળી સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ વરસાદ ધ્રાંગધ્રા, લખતર, વઢવાણ, લીંબડી અને દસાડા તાલુકામાં નોંધાયો હતો.

લખતર તાલુકામાં પડેલ ભારે વરસાદને પગલે તલસાણા ગામનાં કોઝવે પર પાણી ફરી વળતાં અંદાજે છ જેટલાં ગામોનાં વાહનચાલકો અને ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જેમાં આ કોઝવે પર પાણી ભરાઈ રહેતાં ભગવાનપર, વડેખણ, તલસાણા, સાંકળ, કઠેચી, ગડથલ સહિતના ગ્રામજનોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો. જયારે બીજી બાજુ લખતર તાલુકાના ઘણાદ ગામે તળાવની પાળે આવેલ હનુમાનજીના મંદિરની દિવાલ ભારે વરસાદને પગલે ધરાશયી થઈ હતી. આ ઉપરાંત લખતર ખાતે પણ બે મકાનો ધરાશયી થયાં હતાં.ઙ્ગ

ધ્રાંગધ્રા તાલુકામાં પણ ભારે વરસાદને પગલે ખાંભડા ગામનું તળાવ ઓવરફલો થયું હતું અને કોઝવે પર પાણી ફરી વળતાં ધોળી ગામ તરફ જવાનો રસ્તો પણ બંધ થયો હતો. તેમજ તળાવ ઓફરફલો થતાં આસપાસના અનેક ખેડુતોના ખેતરોમાં પાણી ફરી વળતાં મોટાપાયે નુકશાની પહોંચી હતી. તેમજ ધ્રાંગધ્રાના શહેરી વિસ્તારો જેમ કે મેઈન બજાર, શકિતચોક, રાજકમલ ચોક, જુની શાકમાર્કેટ, ઝાલા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહેતાં શહેરીજનોને હાલાકી પડી હતી. ચુડા, સાયલા, મુળી, પાટડી તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડયો હતો

પાટડી તાલુકાના સડલા ગામે ઠેરઠેર ગંદકી, કાદવ, કીચડથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયાં છે.

સડલાથી કોરડા જવાના ત્રણ રસ્તા નીચાણવાળો ભાગ હોવાથી અહિં બે ફુટ જેટલાં વરસાદી પાણી ભરાઈ રહે છે અને જો કોઈ વાહન નીકળે તો પાણીની જાલક રોડ પર રહેલા ઘરોમાં ઉડતાં પાણી ઘરોમાં ધુસી જાય છે અને અહિં ગ્રામ્ય વિસ્તાર હોય ઢોરાઓ વધુ હોય છે. જે આ ભરેલ પાણીમાંથી અવર-જવર કરતાં હોવાથી પાણી ખુબ જ દુષિત અને દુર્ગંધ મારે છે આ દુર્ગંધથી આજુબાજુના રહિશો પોતાના ઘરના બારણા પણ ખોલતા નથી અને ગંદા પાણીમાંથી મહિલાઓ, બાળકોને દિવસ દરમ્યાન અવર-જવાર કરવાથી પગમાં ચાંદા પડી ગયાં છે તેમજ રોગચાળો ફાટી નીકળવાની શકયતાઓ સેવાઈ રહી છે. જયારે ગ્રામજનોના જણાવ્યા મુજબ અંદાજે ૨૫૦૦ જેટલી વસ્તી ધરાવતું સડલા ગામમાં કયાંય ચાલે તેવો રસ્તો નથી અને સમગ્ર ગામમાં ગંદકી, કાદવ, કીચડ, દુષીત પાણી જોવા મળે છે. આથી સડલામાં કોરોનાનું સંક્રમણ વધે તે પહેલા તંત્ર દ્વારા આ ગંદકી તથા પાણી હટાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.

લીંબડી શહેર તેમજ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં સવાર થી જ એકધારો વરસાદ ચાલું છે.ઙ્ગલીંબડી અને આજુબાજુનાં ભોયકા. ઉંટડી, ખંભલાવ, પાણશીણા, ચોકી,  જાખણ,ચોરણીયા, ભલગામડા, અંકેવાળીયા, સમલા, સૌકા, પાંદરી, જામડી,  બોરણા, અચારડા, ખાંડીયા વગેરે ગામડામાં વહેલી સવારથી જ મેઘાવી માહોલ સાથે સવારથી જ અત્યારે આ લખાય છે ત્યારે વરસાદ ચાલુ જ છે.ઙ્ગ

જો આમ વરસાદ ચાલું રહે છે. તો ખેડૂતોનાં ખેતરમાં વાવેલ બીટી કપાસ અને તલનાં પાકને નુકશાન થવાની પણ શકયતા રહેલી છે. તેમ તાલુકાનાં ખેડૂત સુત્રોમાંથી જાણવા મળે છે.ઙ્ગ

સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યારે અમુક વિસ્તારમાં ધીમીધારે તો અમુક વિસ્તારમાં જોરદાર ઝાપટાં સાથે વરસાદ વરસી રહ્યો છે.

આ વરસાદથી ખેડૂતોનાં ખેતરમાં વાવેલ અમુક પાકમાં આ વરસાદ ફાયદાકારક છે. તો અમુક પાક માંઙ્ગ નુકસાન લાયક આ વરસાદ અત્યારે વરસી રહ્યો છે. તો આ વરસાદથી જીલ્લાનાં ખેડૂતવર્ગમાં કહીં ખુશી કહીં ગમ જોવા મળે છે.

મળતા અહેવાલ મુજબ મુળીમાં ૭, વઢવાણ, લખતર, થાનગઢમાં ૬ાા, સાયલા, ધ્રાંગધ્રામાં ૪ ઇંચ વરસાદ, લીંબડીમાં ૩ાા ઇંચ સાથે ઝાલાવાડનો સરેરાશ ૧૧૩% જેટલો વરસાદ વરસી ગયો છે.

(12:52 pm IST)