Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

સોરઠમાં ૧૧ ડેમના બેથી આઠ દરવાજા ખુલ્લા ૧ર ડેમમાં ઓવરફલો યથાવત

જુનાગઢ તા. ર૪ : સોરઠમાં છેલ્લા ૩૬ કલાકથી વરસાદ હોય જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જીલ્લાના ૧૧ ડેમના બે થી આઠ દરવાજા ખુલ્લા રાખવાની ફરજ પડી છે તો બીજી તરફ ૧ર ડેમમાં સાથે પણ ઓવરફલો યથાવત હોય જળાશયો નીચે આવતા ગામોને  સાવચેત કરવામાં આવેલ છે.

સોરઠ, સૌરાષ્ટ્ર અને ગુજરાત પર છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે.જેના પગલે જળાશયોમાં નવા નીરની મબલખ આવક થઇ છે અને ઘણા ખરા ડેમો છલોછલ થઇ જતા જળાશય હેઠળના ગામોની નદી નાળામાં પુર આવ્યા છે.

જુનાગઢ સ્થિત સિંચાઇ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ ડેમ આસપાસ અને ઉપરવાસ વરસાદ હોય જેથી ડેમોમાં રૂલ લેવલ જાળવવા માટે દરવાજા ખોલવાની ફરજ પડી છે.

જેમાં આંબાજળ ડેમના બે ગેટ, ધ્રાફડના પણ બે દરવાજા, ૬૦ મી.૭ દરવાજા, બાંટવા ખારો-ર, ઓઝત -બે -૩ ગેટ, સાબલી-૧, હિરણ-બેના ૭ દરવાજા, શિંગોડા-પાંચ, રાવલ-૩, સાસણ ૪ અને રાણાખીરસરા ડેમના તમામે તમામ આઠ દરવાજા સવારથી ખોલવામાં આવેલ છે.

બીજી તરફ આજે મધુવંતી ડેમ, માંગેલી, ઉબેણ, ડેમપળા, કાળવા ગુજરીયા, હસ્તાપુર, હિરણ-૧, મછુન્દ્રી ડેમ, કાલીન્દ્ર અડવાણા, ખંભાળા, ફોદાળા અને સારણ ડેમમાં ઓવરફલો યથાવત રહેલ છે.

(12:46 pm IST)