Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

જુનાગઢ જિલ્લામાં મેઘ મહેર જારી, સવારે ભેંસાણ અને વિસાવદરમાં વધુ એક ઇંચ

જુનાગઢ તા.ર૪ : જુનાગઢ જિલ્લામાં શનિવારથી શરૂ થયેલી મેઘ સવારી આજે પણ યથાવત રહી છે. સવાર ભેંસાણ અને વિસાવદરમાં વધુ એક ઇંચ વરસાદ થયો હતો.

છેલ્લા બે દિવસથી પડી રહેલા સતત વરસાદથી જનજીવનને અસર થઇ રહી છે. ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા ખેડુતોની મુશ્કેલી વધી છે અને મગફળી સહિતનો પાક નિષ્ફળ જવાની દહેશત સેવાઇ રહી છે.

રવિવારે જુનાગઢ જિલ્લામાં સાર્વત્રીક મેઘ મહેર થઇ હતી. છેલ્લા ર૪ કલાકમાં કુલ ૮૪૧ મીમી વરસાદ (૩૪ ઇંચ) વરસાદ થતા સીઝનનો કુલ વરસાદ વધીને ૧૧૯૭ર મીમી મેઘમહેર થઇ છે.

સવાર સુધીમાં જિલ્લામાં  સૌથી વધુ છ ઇંચ વરસાદ વિસાવદર તાલુકામાં પડયો હતો.

માળીયા હાટીનામાં ૪ાા ઇંચ, માણાવદર તાલુકામાં ૪ ઇંચ તેમજ માંગરોળ વિસ્તારમાં પણ ચાર ઇંચ મેઘ મહેર થઇ હતી.

જયારે જુનાગઢમાં ર૪ કલાક દરમિયાન ત્રણ ઇંચ વરસાદ થતાં સીઝનનો કુલ વરસાદ ૧૧૧પ મી.મી. થયો છે.

રવિવારના વરસાદથી જુનાગઢના દોલતપરામાં લોકોનાં ઘરમાં પાણી ઘુસી ગયા હતા. જોશીપરા અંડરબ્રિજ ફરી સ્વીમીંગ બની ગયો હતો. જેમાં કાર અને ટ્રક ફસાતા પાંચ વ્યકિતનું રેસ્કયુ કરવામાં આવ્યું હતુંં.

ગિરનાર  જંગલમાં સાત ઇંચ વરસાદ થતા ગિરનારમાંથી નીકળતી ઓઝત, કાળવા અને લોલ નદીમાં પુર આવ્યુ હતુ. આણંદપુર ડેમ વિલીગ્ડન ડેમ અને નરસિંહ મહેતા સરોવર ફરી ઓવરફલો થયેલ.

જુનાગઢ જિલ્લામાં આજે પણ સવારથી વરસાદ છે.  ગઇકાલે વિસાવદરમાં છ ઇંચ વરસાદ થયા બાદ આજે સવારના ૬ થી ૧૦ દરમિયાન વધુ એક ઇંચ વરસાદ થયો છે.

આ જ પ્રમાણે ભેંસાણમાં એક ઇંચ, જુનાગઢ અને માળીયામાં અડધો અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

(12:46 pm IST)