Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

વેરાવળ વિસ્તારમાં સતત એક મહિનાથી વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાવાથી મોટાભાગની મગફળી નિષ્ફળ

તસ્વીરમાં માત્ર મગફળીનાં મુળીયાજ જોવા મળે છે. એકપણ દાણો જોવા મળતો નથી. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ)

પ્રભાસ પાટણ ત. ર૪ :.. વેરાવળ તાલુકામાં મોટા ભાગનાં ખેડૂતો મગફળીનું વાવેતર કરે છે અને આ વિસ્તારમાં મગફળીનો ખુબ જ સારા ઉતારો આવે છે. પરંતુ છેલ્લા એક માસથી અવિરત વરસાદને કારણે સતત ખેતરોમાં પાણી ભરાવાને કારણે મગફળીને ભારે નુકશાન થયેલ છે અને મગફળીમાં પીળાસ તેમજ ઇયળનો જોરદાર ઉપદ્રવ જોવા મળે છે અને મગફળીનો પાક મોટા ભાગનો ફેલ થવાનો છે.

નાવદ્રા ગામનાં પ્રગતિશીલ ખેડૂત રામસીંગભાઇ ચુડાસમાએ જણાવેલ કે આ વર્ષ મગફળી ખેતરોમાં સારી દેખાય છે પરંતુ આ મગફળીને ઉપાડવામાં આવે તો તેમાં એક પણ ડોડવો જોવા મળતો નથી અને માત્ર મગફળીના મુળીયા જ દેખાય છે. બાકી અત્યારે મગફળીમાં ખુબ જ ડોડવા હોય છે. પરંતુ અત્યારે મગફળીમાં ડોડવા જોવા મળતા નથી જેથી ખેડૂતો ખૂબ જ દુઃખી અને ચિંતીત જોવા મળે છે. આથી સરકાર દ્વારા આ વિસ્તારમાં સર્વે કરી અને યોગ્ય વળતર આપવા માગણી કરેલ છે. બાકી ખેડૂતોને જીવન ટકાવવું મુશ્કેલ બનશે.

(12:11 pm IST)