Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

વાંકાનેરમાં પાંચ ઇંચ

મચ્છુ-૧ ડેમ બે ફુટ ઓવરફલો નીચાણવાળા વિસ્તારના લોકોને કરાયા એલર્ટ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૪: ગઇકાલે સવારથી ધીમી ગતિએ શરૂ થયેલો વરસાદ વાંકાનેર શહેર અને પંથકમાં આ લખાય છે ત્યારે પણ અવિરત વરસી રહ્યો છે. ચોવીસ કલાક પુરા થવા સુધીમાં વાંકાનેરમાં પાંચ ઇંચ વરસાદ વરસી ચુકયો છે.

૪૯ ફુટની તોતીંગ ઉંચાઇ ધરાવતો વિશાળ ક્ષમતાની ઝળરાશી ધરાવતો વાંકાનેર પાસે મચ્છુ-૧ ડેમ પુરો ભરાઇને રાત્રે જ ઓવરફલો થવા માંડયો હતો જે અત્યારે બે ફૂટ ઓવરફલો વહી રહ્યો છે.

પાલીકા તંત્ર દ્વારા રાત્રે જ મચ્છુ ડેમ ઓવરફલોને કારણે નીચાણવાળા વિસ્તારના લોકોને માઇક ફેરવીને એલર્ટ કરાયા છે. સતત વરસી રહેલા વરસાદથી તથા મચ્છુ અને પતાળીયા નદીમાં વહી રહેલા પાણીના પુરને કારણે ૧૯૭૯ ની પુર હોનારતની યાદ તાજી થવા પામી છે. એ વેળા સતત ત્રણ દિવસ મચ્છુ-૧ ડેમના ઉપરવાસ વિસતાર તથા વાંકાનેર આસપાસ અવિરત રૌદ્ર મેઘાવી માહોલે અંતે મોરબીમાં હોનારતની ઘટના બની હતી. તે સમયે મચ્છુ-૧ ડેમ ૧૪ ફુટ ઉપરાંત ઓવરફલો વહી રહ્યો હતો.

મચ્છુ-૧ ડેમનો આછેરો ભૂતકાળ જોઇએ તો ૧૯૪૩માં સ્વ. અમરસિંહજી બાપુના હસ્તે નિર્માણ પામી તૈયાર થયેલો. તે સમયે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, આ ડેમમાં કામ કરનારા શ્રમીકો માટે લોટ દળવાની ઘંટી ચલાવતા હતા, આ ડેમ તૈયાર થયા બાદ ૧૯પ૦-૧૯પ૬ અને છેલ્લે ઓગસ્ટ ૧૯૭૯માં હોનારતો જોવા મળેલ. આ ડેમનો વિસતાર ૧૪ માઇલ સુધી વિસ્તરેલો છે.

(12:06 pm IST)