Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

ભારે વરસાદને કારણે ત્રંબાથી વડાળી અને ઢાંઢણી-ઢાંઢીયા જતાં રસ્તાઓ બંધ

બંને ગામના પુલ પાણીમાં ગરકઃ સવારે વાહનોની કતારોઃ રાતથી સતત આજી નદી, ગલાલીયો અને બાંડીયો નદીમાં પુર

રાજકોટ તા. ૨૪: રવિવારથી શરૂ થયેલા ભારેથી અતિ ભારે વરસાદમાં સર્વત્ર ડેમ તળાવડા છલકાવા માંડ્યા છે અને નદીઓમાં ધસમસતા પુર ચાલુ થઇ ગયા છે. ત્રંબાની આજી, બાંડીયો અને ગલાલીયો નદીમાં ગત રાતથી પુર આવ્યા હોઇ આ કારણે ત્રંબાથી વંડાળી અને ઢાંઢીયા-ઢાંઢણી સંપર્ક વિહોણા થઇ ગયા છે અને વાહનો ફસાઇ ગયા છે.

ત્રંબાથી જી. એન. જાદવના જણાવ્યા મુજબ ત્રંબાથી વડાળી જવા માટે સાતેક ફુટ ઉંચાઇનો પુલ છે. આ પુલ ઉપરથી નદીના પાણી વહી રહ્યા હોઇ વડાળી જતો રસ્તો બંધ થઇ ગયો છે. વડાળમાં ડેરી હોઇ ત્યાં દૂધ ભરીને આવતાં વાહનો ત્રંબામાં જ અટવાઇ રહ્યા હતાં. આ રીતે ત્રંબાથી ઢાંઢીયા-ઢાંઢણી જવાના માર્ગ પર બેઠો પુલ છે. આ પુલ પણ પાણીમાં ગરક થઇ ગયો હોવાથી વાહન વ્યવહાર બંધ છે અને આ ગામો સંપર્ક વિહોણા થયા છે. નદીઓ બે કાંઠે વહી રહી છે અને ધસમસતા પુર વહી રહ્યા છે. સરપંચ અને આગેવાનો દ્વારા ગામલોકોને સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. તસ્વીરોમાં નદીઓમાં વહી રહેલા પુર અને ભારે વરસાદ-પુરને કારણે પુલ પાણીમાં ગરક થઇ જતાં અટકી ગયેલો વાહન વ્યવહાર જોઇ શકાય છે.

ત્રંબાથી વડાળી જવાનોઆજી નદીનો પુલ જર્જરીત હાલતમાં હોઇ સરપંચ દ્વારા અગાઉ અનેક વખત રિપેરીંગ માટેની રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ કોઇ નક્કર કાર્યવાહી નહિ થયાની ફરિયાદો ઉઠી રહી છે. ઢાંઢીયા-ઢાંઢણીનો બેઠો પુલ પણ ઉંચો ઉપાડવાની માંગણી લાંબા સમયથી જેમની તેમ છે. તસ્વીરો ત્રંબાથી જી. એન. જાદવે મોકલી હતી.

(11:59 am IST)