Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

કંડકટરને પગારમાં પાંચ સ્ટેજ નીચે ઉતારવાનો હુકમ ગેરકાયદેસર : ભાવનગર ઔદ્યોગિક અદાલત

છ મુસાફરોને ટિકિટ નહીં આપવાનો મામલોઃ અમરેલી ડિવિઝનનો ૧૬ વર્ષ પહેલાનો કેસ

  રાજકોટ,તા.૨૪ : આજ થી ૧૬ વર્ષ પહેલા અમરેલી ડિવીઝન કંડકટરને પગારમાં સ્ટેજનીચે ઉતારી મુકવાની શિક્ષાનો હુકમ કર્યો હતો તે ગેરકાયદસર છે તેવુ ઠરાવીને ભાવનગરની ઔદ્યોગિક અદાલતના જજ જી.આર. સોનીએ શિક્ષાનો હુકમ રદ કરીને કંડકટરને મળવા પાત્ર પગાર તફાવતની રકમ છ માસમાં સરખા હપ્તેથી ચુકવી આપવાનો મહત્વનો ચુકાદો આપ્યો છે.

આ કેસની વિગત એવી છે કે સાવરકુંડલાના કંડકટર અરવિંદ કે. વસાવડાની નોકરી રાજકોટથી જાફરાબાદ રૂટની એકસ્પ્રેસ બસમાં હતી ત્યારે રાજુલાથી જાફરાબાદ જનાર ૬ પ્રવાસીઓ પાસેથી ૧૬ રૂપિયા લેખે ૯૬ અગાઉથી વસુલ કરીને ચેકીંગ સ્થળ સુધી ટીકીટો આપેલ નથી તેવું ચેકીંગ અધિકારીઓ રોજકામ કર્યુ હતુ તેના આધારે ચાર્જશીટ આપીને ખાતાકીય તપાસના અંતે પગારમાં પ સ્ટેજ નીચે ઉતારી મુકવા ૨૦૦૪ની સાલમાં હુકમ કર્યા હતો.

જેની સામે કંડકટર પહેલી ખાતાકીય નિયમ પ્રમાણે બીજી ખાતાકીય અપીલ કરેલ તેનો કોઇપણ નિર્ણય લેવામાં આવેલો ન હતો અને અપીલ દબાવી રાખવામાં આવેલ હતી જેથી કંડકટરે વિનાયક કર્મચારી મંડળ, રાજકોટ મારફતે ભાવનગરની ઔદ્યોગિક અદાલતમાં દાદ માંગેલી હતી.

આ કેસની સુનવણી સમયે કંડકટરના પ્રતિનિધિ કિશોરભાઇ ધોળકીયાએ રજુઆત કે મજકૂર કંડકટરની એકસ્પ્રેસ બસમાં નોકરી હતી એકસ્પ્રેસ બસમાં ૬ કિ.મી. સુધી બુકીંગ કરવાનું હોય છે એટલે કે ટીકીટો આપવાની હોય છે જયારે ૬ કિ.મી.ની અંદર મજકૂરની બસ ચેક થઇ છે અને ગુન્હાની નોંધ કરેલ છે. જેથી ચેકીંગની કાર્યવાહી ગેરકાયેદસરની અને ભૂલ ભરેલી છે તેમજ રિપોર્ટ સાથે મુસાફરોના નિવેદનો છે તે મુસાફરોને અને રિપોર્ટરને ખાતાકીય તપાસમાં તપાસ્યા જ નથી. જેથી મજકૂર સામેનું ત્હોમત ખાતાકીય તપાસમાં પુરવાર કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયો છે તેમજ કામદારને જે શિક્ષા કરી છે તે યોગ્ય અને વ્યાજબી છે તેવુ સાબીત કરવા માટે માલીક ખાતાકીય તપાસના દસ્તાવેજો રજુ કરવા જોઇએ આ કિસ્સામાં દસ્તાવેજો રજુ કરવાની માંગણી થઇ છે છતાં જાણીબુઝીને માલિકે દસ્તાવેજો રજુ કર્યા નથી

જેથી તેની વિરૂધ્ધમાં અનુમાન કરવા ધોળકીયાએ રજુઆતો કરી હતી. તે ગ્રાહય રાખીને ભાવનગર ઔદ્યોગિક અદાલતના જજ જી.આર.સોનીએ ઉપર મુજબનો ચુકાદો આપ્યો હતો.

કંડકટર વતી વિનાયક કર્મચારી મંડળના કે.એમ. જોષી, એ.એન. ગોસાઇ અને કિશોરભાઇ ધોળકીયાએ રજૂઆતો કરી હતી.

(10:54 am IST)