Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

જામનગરના સચાણા શીપ બ્રેકીંગ યાર્ડ શરૂ થવાથી રોજગારીની વિપુલ તકો ખુલશે : પૂનમબેન માડમ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૪ : જામનગર જિલ્લાના સચાણામાં શીપ બ્રેકીંગ યાર્ડ બંધ પડ્યુ હતુ તે ફરીથી કાર્યરત થાય તે માટે સંસદમાં રજુઆત કરી અને તે રજુઆત માન્ય રહેતા સંસદસભ્ય  પૂનમબેન માડમ એ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી- મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીજી અને કેન્દ્રીયમંત્રી મનસુખભાઇ માંડવીયાજીનો આભાર વ્યકત કર્યો છે આ આંતરરાષ્ટ્રીય કક્ષાના મહત્વકાંક્ષી બંદરીય ઉદ્યોગથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારીની વિપુલ તકો ખુલશે

લાંબા સમયથી નાના અને મધ્યમ કદના જહાજોના શિપ બ્રેકિંગ માટેનું યોગ્ય સ્થળ એવા જામનગર જિલ્લાના સચાણામાં જહાજને લગતી પ્રવૃતિઓનો ધમધમાટ ઠપ્પ હતો અને હજારો રોજગારી છીનવાઇ હતી અને આનુસાંગીક ધંધાઓ પણ પડી ભાંગ્યા હતા જેથી આ પડી ભાંગેલો ઉદ્યોગ ફરી ધમધમતો થાય તે માટે સંસદના ગત સત્રમા સંસદસભ્ય પૂનમબેન માડમએ મુદાસર રજુઆત કરી હતી.

આ વિસ્તાર માટે ખુબ મહત્વ ધરાવતો તેમજ રોજગારી માટે અને બંદરીય વિકાસ માટે અગત્યનો એવો આ પ્રોજેકટ ફરી કાર્યરત થાય તો સચાણા સહિત લગત વિસ્તારો માટે વિકાસની દ્રષ્ટીએ ખુબ ઉપયોગી બની રહે તેમ છે તે માટેની છણાવટ સંસદના ગૃહમાં સંસદસભ્ય  પૂનમબેન માડમએ કરી હતી જે રજુઆત માન્ય રહી છે અને કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાનુ શીપ બ્રેકીંગ યાર્ડ સચાણામાં ફરીથી કાર્યરત કરવાનો નિર્ણય જાહેર કરાયો છે આ પ્રજાલક્ષી નિર્ણયથી ફરીથી સચાણા બંદર ધમધમશે અને શીપ બ્રેકીંગ કામગીરીના ધમધમાટથી હજારો રોજગારીની તકો સાથે આનુસાંગીક ધંધાઓ ધમધમશે તેમજ સચાણા અને લગત વિસ્તારોનો વિકાસ થશે અને ગ્રામ્ય વિસ્તારોમાં એક પ્રકારની ગતિશીલતા સાથેની રોનક આવશે જે અંગે સંસદસભ્ય પૂનમબેન માડમએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાજીનો ફરીથી આભાર વ્યકત કર્યો છે

ઉલ્લેખનીય છે કે સચાણાની શિપ બ્રેકિંગ ગતિવિધિ પુનઃવેગવાન બનવાથી વિશ્વના મેરી ટાઇમ અને શિપ બ્રેકિંગ -શિપ રીસાયકલિંગ મેપ પર સચાણા ફરીથી અનોખુ સ્થાન પામશે અને હાલ કોરોના મહામારીના સમયમાં જયારે ઉદ્યોગો- ધંધા -રોજગાર- વ્યવસાયો ને આર્થિક વિપરીત અસર પડી છે તેવા સંજોગો માં સચાણા શીપ બ્રેકિંગ યાર્ડ અને આનુસાંગિક ઉદ્યોગો વ્યવસાયો દ્વારા રોજગાર અને આર્થિક આધારમાં નવું બળ પૂરશે સાથે સાથે દેશ વિદેશના નાના મધ્યમ કદના જહાજો સચાણા માં શિપ બ્રેકિંગ રિસાયકલિંગ માટે આવતા થવાથી કેન્દ્ર અને રાજય સરકારને લગત વેરાઓ પણ મળતા થશે તેમજ સમગ્ર પણે આ વિસ્તાર નવા પ્રાણસંચાર સાથે ધબકતો થશે અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું નઝરાણુ જામનગર જિલ્લામાં નવા રંગરૂપ સાથે કાર્યરત થશે તે દિશામાં ખૂબ ઉપયોગી નિર્ણય લઇ આયોજન થયુ હોઇ સરકારના આ આયોજનને આવકારી સંસદસભ્ય પૂનમબેન માડમએ આત્મનિર્ભર ભારતની દિશામાં વધુ એક મક્કમ કદમ ગણાવ્યુ છે.

(10:05 am IST)