Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

કચ્છમાં ભારે વરસાદ વચ્ચે ૪.૧ નો ભૂકંપનો આંચકો : ચાર ઈંચ વરસાદમાં ભચાઉ હાઇવે અને ગાંધીધામ પાણી પાણી : અંજારમાં સૌથી વધુ સાડા છ ઈંચ

ખડીર અને ખાવડાનું રણ બેટમાં ફેરવાયું : એક માત્ર લખપતમાં ઝરમર વરસાદ બાકીના નવેનવ તાલુકામાં મેઘરાજાની મહેર

(ભુજ) કચ્છમાં સવારથી જ શરૂ થયેલો મેઘાવી માહોલ રાત્રે પણ ચાલુ રહ્યો છે. રાત્રે ૧૦ વાગ્યા સુધી કચ્છના પૂર્વ વિસ્તારમાં અને ખાસ કરીને મોટા રણમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદ વચ્ચે પૂર્વ કચ્છના રાપર ભચાઉ વિસ્તારમાં રાત્રે ૧૦.૦૭ મિનિટે ૪.૧ નો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. અન્ય વિસ્તારોમાં પણ હળવા આંચકાનો લોકોને અનુભવ થયો હતો. દરમ્યાન રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં કચ્છમાં વરસાદના આંકડાઓ આ પ્રમાણે છે. સૌથી વધુ અંજારમાં સાડા છ ઈંચ, રાપર, ભચાઉ અને ગાંધીધામમાં ચાર ઈંચ, મુન્દ્રા અને માંડવીમાં અઢી ઈંચ, નખત્રાણા દોઢ ઈંચ, અબડાસા બે ઈંચ, ભુજમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે લખપતમાં ઝરમર ઝરમર છાંટા જ પડ્યા છે. ગાંધીધામમાં ૪ ઈંચ વરસાદને કારણે શહેર પાણી પાણી થઈ ગયું છે. પ્રેસ ફોટોગ્રાફર રાજેશ લાલવાણીના જણાવ્યા પ્રમાણે ગાંધીધામના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો, ભચાઉમાં વરસાદને પગલે કચ્છથી રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્ર તરફ જતાં નેશનલ હાઇવે ઉપર ભચાઉ અને ચીરઈ વચ્ચે પાણી ભરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. હજીયે વરસાદી માહોલ છે, એ જોતાં કચ્છમાં આખી રાત વરસાદ ચાલશે એવું લાગી રહ્યું છે.

(11:09 pm IST)