Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

સુરેન્દ્રનગરમાં ૮૦ કરોડનું ફુલેકુ ફેરવનાર પિતા -પુત્રની ધરપકડ

છેલ્લા ૩ મહિનાથી વડોદરામાં રહેતા'તાઃ છબીલ દેવજીભાઇ પટેલ અને હિમાંશુ પટેલને પોલીસ સ્ટેશને લાવતા લોકોના ટોળા ઉમટયા

 વઢવાણ, તા.૨૪: સુરેન્દ્રનગર શહેરમાં બે તેમજ દેદદાર ગામના પાટીયા પાસે આવેલ શ્રીરામકૃપા પેપર મીલના માલિકે ધંધાના બહાના હેઠળ અંદાજે રૂ. ૮૦ કરોડની જુદા જુદા લોકો સાથે છેતરપિંડી કર્યાનુ બહાર આવતા ચકચાર ફેલાઇ છે.

છેલ્લા પાંચ માસથી ફરાર આ ઉદ્યોગપતિ સહિતના પરિવારને પકડવા પોલીસે દોડધામ કરી હતી. જેમાં ઉદ્યોગપતિ તેમજ તેમના પુત્રની પોલીસ ધરપકડ કરી તપાસના ચક્રોગતિમાન કર્યા છે. વઢવાણ અલ્કાપુરી મહેશ્વરી કોલોનીમાં રહેતા રમેશભાઈ આસનદાસ મહેશ્વરીએ તેમજ અન્ય લોકો સાથે૮૦ ફૂટ રોડ વઢવાણ પરીવર્તન સોસાયટીમાં રહેતા અનેશ્રીરામકૃપા પેપર મીલના માલિક છબીલભાઇ દેવજીભાઇ પટેલ તેમજ તેમના પરિવાર સામે તા. ૨૦૧૫થી ૨૦૧૮ દમરિયાન ચેક તેમજ રોકડ રકમો સહિત રૂ. ૪.૧૦ કરોડની છેતરપિંડી કર્યાની બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં છબીલભાઈ તેમજ તેમના પરિવાર છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા હતા.

પીએસઆઈ પી.આર. સોનારા તેમજ હેડકોસ્ટેબલ એમ.પી. મકવાણા સહિતની ટીમે સુરેન્દ્રનગર છબીલભાઇ દેવજીભાઇ પટેલ અને તેમના પુત્ર હિંમાશુભાઇ છબીલભાઇ પટેલની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. બીજીતરફ શહેરના અન્ય લોકો પાસેથી પણ આ માલિકે અંદાજે રૂ. ૮૦ કરોડ જેટલી રકમ ઓળવી જઇ છેતરિપંડી સાથે વિશ્વાસઘાત કર્યાની ચર્ચાએ જોર પકડયુ હતું. જયારે આટલી મોટી રકમની છેતરપિંડી સાથે પરિવાર બેંગલોર બાદ બરોડામાં ૩ માસથી ફલેટમાં રહેતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ હતુ. લેણદારોના ટોળા પોલીસ મથકે એકઠા થયા, પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી  હતી.

આ બંને પિતા-પુત્રએ રેખાબેન પંકજભાઈ મહેશ્વરી પાસેથી ૧૦ લાખ,પુષ્પાબેન ગીરીશભાઈ ભીમાણી ૩૫, પંકજભાઈ છગનભાઈ પટેલ ૬૫, અશોકસિંહ લાલુભા પરમાર ૩૫, સુરેશભાઈ છગનભાઈ પટેલ ૧૭, જયવંતીબેન મહેશભાઈ કૈલા ૧૫, ચમનલાલ આસનદાસ મહેશ્વરી ૧૦, અરવિંદભાઈ નરશીભાઈ પટેલ ૭૩, અતુલભાઈ નરશીભાઈ પટેલ ૮૦ લાખની છેતરપીંડી કરી હતી.

છેતરપિંડી કેસના ગુનામા શ્રી રામકૃપા પેપરમીલના માલિક છબીલભાઇ દેવજીભાઇ પટેલ, હિંમાશુભાઇ છબીલભાઇ પટેલ, મેહુલભાઇ છબીલભાઇ પટેલ અને શ્વેતાબેન હિંમાશુભાઇ પટેલ સામે પોલીસે ફરિયાદ કરી હતી.(૨૩.૨)

(4:04 pm IST)