Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

મોરબી ભકિતનગર સર્કલથી સનાળા રોડ સુધી માથાંના દુઃખાવારૂપ ટ્રાફિકઃ ઓવરબ્રીજની માગણી

મોરબી તા.ર૪: ભકિતનગર સર્કલ શનાળા રોડ શનાળા બાયપાસ રોડ ડેવલપ કરવા અંગે હરસુખભાઇ ગઢવીએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

નગર માટે ટ્રાફીક સમસ્યાના નિવારણ માટે તેમજ અકસ્માતો ઘટાડવા માટે ભકિતનગર સર્કલ ડેવલપ કરવું જરૂરી છે. ભકિતનગર સર્કલ પાસે દરરોજ સીમેન્ટ ભરેલી ૧૦ થી વધુ ટ્રકો ઉભી હોય છે. દિવસ દરમ્યાન નો એન્ટ્રી હોવાથી ભારે વાહનો ત્યાંજ ઉભા રાખવામાં આવે છે. ત્યાં સર્વિસ રોડ બનાવવો અનિવાર્ય છે. ભકિતનગર સર્કલનો ટ્રાફીક પ્રશ્ન હળવો કરવા માટે ત્યાં ફલાય ઓવરબ્રીજ બનાવવો જરૂરી છે. જેથી જનસુવિધામાં વધારો થશે. ટ્રાફીક પ્રશ્ન હળવો થશે.

શનાળા બાયપાસ રોડ ઉપર સૌરાષ્ટ્ર તરફથી કચ્છ તરફ ભારે વાહનો જતા હોય છે. રહેણાંક વિસ્તાર હોવાથી અકસ્માતોનિવારવા માટે આ રોડ ડેવલપ થાય, વાવડી રોડ, ચાર રસ્તા ફલાય ઓવરબ્રીજ બને તે જરૂરી છે.

મુખ્યમંત્રીને અલગ રજુઆતમાં હસમુખભાઇએ ગાંધી ચોકથી રવાપર રોડ રવાપર ગામ સુધીનો રોડ નવેસરથી પેવર મશીનથી રોડ બનાવવા અંગે જણાવ્યું છે.  તેમજ એવન્યુ પાર્ક પાસે નાલાનું રીપેરીંગ વહેલી તકે પુર્ણ કરાવવું જરૂરી છે. જેથી ત્યાં વાહનો બ્લોક થઇ જાય છે. તે નિવારવા માટે પુલનું રીપેરીંગ વહેલી તકે પૂર્ણ કરાવવા રજુઆતમાં જણાવેલ છે. (૧૧.પ)

(11:57 am IST)