Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

ગારીયાધારથી સુરનિવાસ ગામ સુધીનો માર્ગ બિસ્માર

લાંબા સમયથી બિસ્માર હોવાથી વધતા અકસ્માતના બનાવો ખખડધજ માર્ગના કારણે હાલાકી વેઠતા ગ્રામ્યજનો-વાહનચાલકો

ગારીયાધાર તા.૨૪: ગારીયાધારથી પાંચ ટોબરા, પીપળવા, આણંદપુર, મોનુકા અને સુરનિવાસ સુધીનો માર્ગ લાંબા સમયથી બિસ્માર હોવા છતાં માર્ગનું કામ થતું ન હોવાથી ગ્રામ્યજનો ભારે હાલાકી વેઠી રહયા છે.

આ માર્ગનું કામ આરએમબી વિભાગ દ્વારા લાંબા સમયથી નવા બનાવવા માટે આપી દેવાયું છે. પરંતુ કામ રાખેલ એજન્સી દ્વારા ૧ વર્ષથી અહીં માર્ગ પર એક કાંકરી જેટલું કામ પણ કરવામાં નથી આવ્યું જેના કારણે અહિં પસાર થતાં દામનગરના વાહનચાલકો ઉપરાંત ગ્રામ્યજનો ભારે હાલાકી વેઠી રહયા છે. અહીં માર્ગ પર મસમોટા ખાડાઓ પડી જવાના કારણે અનેક નાના વાહનો સાથે અકસ્માતના બનાવો પણ બની રહયા છે. પરંતુ નિંભર તંત્ર અને વામણી પુરવાર થતી નેતાગીરીનું પેટનું પાણી ન હલતું હોવાના કારણે ગ્રામ્યજનો ભારે મુશ્કેલી વેઠી રહયા છે.

તંત્ર દ્વારા એજન્સી સામે કોઇ કાર્યવાહી કે લાલ આંખ ન થતી હોવાને લીધે હાલ ગારીયાધાર તાલુકાના તમામ માર્ગોની આ પરિસ્થિતિ બની છે. જેમાં સુધાર લાવવો જરૂરી બન્યો છે.(૧.૩)

 

 

(11:55 am IST)