Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

વિજયભાઇના આગમન પુર્વે કનેસરામાં ઉત્સાહનો માહોલઃ તડામાર તૈયારી

કુંવરજીભાઇ બાવળીયા અને ડો. ભરત બોઘરાની દેખરેખ નીચે મેદની ભેગી કરવા કાર્યકરો લાગ્યા કામે

આટકોટ તા.૨૪: આગામી તા. ૨૭ના રોજ જસદણના કનેસરા ગામે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું આગમન થવાનું હોય કનેસરા તેમજ આજુબાજુના ગામોમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે.

 

આગામી તા. ૨૭ના રોજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કનેસરા ગામની જીવાદોરી સમાન નાની સિંચાઇ યોજનાનું ખાત મુહુર્ત થવાનું છેે તેમજ જસદણ વિંછીયા તાલુકામાં કુલ ૧૧૧ કરોડના કામોનું ખાત મુહુર્ત તેમજ લોકાર્પણ કરવાના હોય ગ્રામજનોમાં ભારે ઉત્સવ જેવો આનંદ છવાઇ ગયો છે.

કુંવરજીભાઇ બાવળીયા કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ભાજપ સરકારમાં કેબીનેટ મંત્રી બન્યા પછી જસદણ તાલુકામાં પ્રથમ વખત મુખ્યમંત્રીનું આગમન થતું હોય કુંવરજીભાઇ બાવળીયા પણ કનેસરા ગામે રહી કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહયા છે.

ગઇકાલે કુંવરજીભાઇ બાવળીયાએ સ્થાનિક ગ્રામજનો સાથે કનેસરાના વિખ્યાત અને કોળી સમાજના આસ્થાના પ્રતિક સમા રામાપીરના મંદિરે મીટીંગ કરી જરૂરી સુચનાઓ આપી હતી.

હાલ ચોમાસાની સિઝન હોય વોટરપ્રુફ વિશાળ ડોમ અને તેની બાજુમાંજ હેલીપેડ બનાવવાની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે.

આ ઉપરાંત જસદણ મામલતદાર ઝાલા, પી.ડબલ્યુ. ડી.ના અધિકારીઓ પોલીસ સહિતના અધિકારીઓ કામે લાગી ગયા છે.આ સભામાં મોટી માનવ મેદની ભેગી થવાની સંભાવનાને ધ્યાને લઇ ચારેય દિશામાં અલગ-અલગ ગામોમાંથી આવતા વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

મુખ્યમંત્રીના આગમન પહેલા માનવ મેદનીને લોકસાહિત્યનું મનોરંજન પીરસવા માટે બપોરે ૧૨ વાગ્યાથી પ્રસિધ્ધ હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા જસદણ શહેર ભાજપ અને તાલુકા ભાજપના અગ્રણીઓ કામે લાગી ગયા છે. ગઇકાલે જસદણ ખાતે રામવાડીમાં સ્થાનિક ભાજપના અગ્રણીઓની મીટીંગ મળી હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.

ઉલ્લેખનીય છે કે જસદણ વિંછીયા તાલુકામાં કુંવરજીભાઇ બાવળીયાના રાજીનામા બાદ આગામી દિવસોમાં ધારાસભાની પેટા ચૂંટણી હોય કુંવરજીભાઇ બાવળીયા પોતાની તાકાત દેખાડવા કામે લાગી ગયા છે.

આ કાર્યક્રમ અનુસંધાને કનેસરાના ગ્રામજનોએ એક કમિટી બનાવી છે જેમાં સરપંચ હસમુખભાઇ હાંડા, પ્રાગજીભાઇ કુકડીયા, બાબુભાઇ હાંડા, ભાણજીભાઇ માલકીયા, શૈલેષભાઇ કુકડીયા, ભવાનભાઇ સોરીયા, ભરતભાઇ પરમાર, છગનભાઇ કુકડીયા, ગોરધનભાઇ ઓતરાદી, ગોરધનભાઇ નાગડકીયા, સહિતના ગ્રામજનો જહેમત ઉઠાવી રહયા છે.(૧.૧૧)

(11:51 am IST)