Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

દ્વારકામાં મકાનમાંથી સામાન કાઢવાનું કહી કબજો કરી લેનાર દિપક થોભાણી સામે લેન્ડ ગ્રેબિંગ ગુનો

કલ્યાણપુરના રાણ ગામે વાડો પચાવી પાડનાર શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.ર૪ : દ્વારકામાં હોમગાર્ડ ચોકમાં રહેતા જય ચંદુભાઇ ધોકાઇ (ઉ.વ.૩૦) નામના લોહાણા યુવકનું મકાન રેતવા પાડામાં આવેલ હોય જે મકાનની ચાવી દિપક જમનાદાસ થોભાણી અંદરથી સામાન કાઢવાના બહાને લઇ ગયો હતો. જે બાદમાં મકાનમાં કબજો જમાવી રહેવા લાગ્યો હતો. ફરીયાદી જયભાઇએ મકાન ખાલી કરવા માટેનું અવાર નવાર કહેવા છતા પચાવી પાડવાનો ઇરાદો હોય તેમ મકાન ખાલી ન કરતા આ બાબતે ફરીયાદીએ જિલ્લા કલેકટરને લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરતાં અરજીની તપાસના અંતે મકાન ખાલી ન કરનાર દિપક થોભાણી વિરૂધ્ધ દ્વારકા પોલીસને લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધવા જણાવતાં પોલીસ શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા બનાવમાં કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા રણછોડભાઇ કાનાભાઇ નકુમ (ઉ.વ.પર) નામના દલવાડી આધેડની ભાઇની સંયુકત માલીકીની મિલ્કતનો સર્વે નંબર ૧૪૯૬નો ૩૧૦૦ ફૂટનો વાડો જેની બજાર કિંમત ૭૦,૦૦૦ થાય છે તે વાડો (જમીન) ભીમા હરદાસભાઇ નકુમે કબજો જમાવી લઇ તે ખાલી ન કરતાં આ અંગે કલેકટરમાં અરજી કરી હતી જે અંગે કલ્યાણપુર પોલીસે ભીમા નકુમ વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

ભાટીયાની પરિણીતાનેખાખરડા ગામે પતિ,સસરા અને દિયરનો ત્રાસ

કલ્યાણપુરના ભાટીયા ગામે ગણેશવાસમાં માવતરના ઘરે રહેતી હર્ષિદાબેન જીવાભાઇ પરમાર (ઉ.વ.૩૦) નામની પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં પતિ જીવાભાઇ, સસરા વશરામભાઇ રાણાભાઇ અને દિયર દુદાભાઇનું નામ આપ્યુ છે. ફરીયાદમાં તેણીએ જણાવ્યું છે કે, લગ્નના એકાદ મહિના પછી પતિ, સસરા અને દિયર નાની નાની વાતમાં મેણા ટોણા મારી ત્રાસ આપતા હતા અને પતિને ચડામણી કરતાં પતિ ઉશ્કેરાઇને માર મારી ગાળો આપતા હતાં અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હાલ હું મારા માવતરના ઘરે રિસામણે આવેલ છુ બનાવ અંગે પરિણીતાની ફરિયાદ પરથી પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દ્વારકાની સગીરના બદકામ કરવાના ઇરાદે અપહરણ

દ્વારકામાં રહેતા પરિવારની ૧૪ વર્ષની પુત્રીને યુપીનો શિવમ અવસ્થી નામનો શખ્સ લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ગયાની સગીરાના પિતાએ દ્વારકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્સ સામે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

(1:20 pm IST)