Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

સતત બીજે દિ' ગુરૂવંદના કરતા ભાવિકો

આ વર્ષે શાસ્ત્રોકત મુજબ બે દિવસ ગુરૂપૂર્ણિમા હોવાથી અમુક જગ્યાએ ગઇકાલે અમુક જગ્યાએ આજે ઉજવણી

રાજકોટ તા. ૨૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં આજે સતત બીજા દિવસે ગુરૂપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ વર્ષે શાસ્ત્રોકત વિધી મુજબ બે દિવસ ગુરૂપૂર્ણિમા હોવાથી અમુક જગ્યાએ ગઇકાલે ઉજવણી થયા બાદ અમુક જગ્યાએ આજે ઉજવણી કરવામાં આવી રહી છે.

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગરના રામધન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

મહેન્દ્રનગરમાં આવેલ રામધન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં મહંત ભાવેશ્વરી માંના સાનિધ્યમાં રતનબેનનો સત્સંગ, કુમારિકા ભજન, પોથી પૂજન, કોરોના વોરિયર્સનું સન્માન જેવા કાર્યક્રમ મર્યાદિત લોકોની હાજરીમાં આશ્રમ ખાતે રાખવામાં આવ્યા હતા. આ પ્રસંગે આશાવર્કર બહેનોને પ્રસાદ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા રૂગનાથભાઈ ભૂત, ત્રિભોવનભાઇ, દેવકરણભાઈ, ખીમજીબાપા, દિલીપ મહારાજ તેમજ અન્ય લોકોએ જહેમત ઉઠાવી હતી. તેમ સેવક મુકેશભાઈ ભગતની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(11:42 am IST)