Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

'નાગ' નામે પ્રખ્યાત સિંહનો મૃતદેહ મળ્યો

અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં વનરાજોના મોત વધી રહ્યા છે : કોઇ ઇજા નથી, બિમારીથી જીવ ગયાનું અનુમાન : સીડીવી નામનો રોગ આવ્યાની આશંકા : ભારે દોડધામ

અમરેલી, તા. ર૪ : ગીર બાદ એશિયાટિક સિંહોના મોત હવે રેવન્યુ વિસ્તારમાં વધી રહ્યા છે. અહીં દિન-પ્રતિદિન સિંહો બીમાર પડી રહ્યા છે અને મોતને ભેટી રહ્યા છે. ફરી જાફરાબાદ તાલુકામાં એક ઘટના સામે આવી રહી છે. અગાવ ૩ દિવસ પહેલા સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. સાકરીયા વિસ્તારમાં એટલે કે રાજુલા જાફરાબાદ બંને રેન્જનો બોર્ડર એરીયા વિસ્તાર હોવાનું મનાય રહ્યું છે. અગાવ મળ્યો હતો સિંહનો મૃતદેહ તેવી જ રીતે આજે પણ એક પ્રખ્યાત નાગ નામના નરસિંહનો મૃતદેહ મળી આવ્યો છે. કોઇ પ્રકારની ઇજાના નિશાન મળ્યા નથી માત્ર બીમારીના કારણે મોત થયાની આશંકા સેવાય રહી છે, પરંતુ વન વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ સિંહને કોલર આઇ.ડી. પણ હતી અને રેવન્યુ વિસ્તારમાં આ સિંહ પ્રખ્યાત હતો સ્થાનિક લોકો અને સિંહપ્રેમીઓ આ સિંહને નાગ તરીકે ઓળખાતા હતાં. આ સિંહની ઉંમર ૮ વર્ષ આસપાસ હતી.

વાંઢ ગામ આસપાસ સાકરીયા વિસ્તાર છે ત્યાં મોટા પ્રમાણમાં સિંહોનો વસવાટ છે, પરંતુ આ નાગ નામના સિંહની ઓળખ આ વિસ્તારમાં ખૂબ મોટી હતી જેથી મૃતદેહના સમાચારથી સિંહપ્રેમીઓમાં પણ આઘાતજનક સમાચાર જોવા મળ્યા હતાં. જયારે આ સિંહ ઓચિંતા બીમાર પડી મોતને ભેટયો હોવાનું મનાય રહ્યું છે. જયારે રેવન્યુ વિસ્તારના સિંહોમાં સી.ડી.વી. નામનો રોગ આવ્યાની આશંકા મનાય રહી છે અનક સિંહો બીમાર હાલતમાં અને શારીરીક રીતે ખૂબ નબળા પડયા છે. વન વિભાગ દ્વારા તમામ સિંહોનું હેલ્થ ચેકપ કરે તે જરૂરી છે. સિંહોના મોતનો સીલસીલો ફરીવાર શરૂ થયો છે જેને લઇને વન વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. સમગ્ર મામલે વન વિભાગ સિંહનો કબજો મેળવી પી.એમ.ની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં સિંહનું મોતનું કારણ વન વિભાગ દ્વારા જાહેર નથી કર્યું, પરંતુ ગંભીર ભેદી રોગચાળાની શંકાનો ગણગણાટ શરૂ થયો છે. તાકીદે વન વિભાગ અન્ય સિંહોનું હેલ્થ ચેકપ નહિ કરે તો હજુ પણ રેવન્યુ વિસ્તારના સિંહો મોતને ભેટશે તેવી શંકા સેવાય રહી છે. વન વિભાગ દ્વારા અગાવ પણ મૃતદેહ મળ્યો તે સિંહનું કારણ ઇનફાઇટ જાહેર કરી દીધું હતું. જયારે એ સિંહ કેટલાય દિવસો પહેલાનો હોવાનું જાણવા મળ્યું હતું છતા વન વિભાગએ ઇનફાઇટ હોવાનો દાવો કર્યો હતો.

(12:51 pm IST)