Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

કચ્છને કોરોનાનો કાતિલ ભરડો એક જ દિ'માં ૩ મોત અને ૨૪ કેસ

એક જ પરિવારના નલિયાના ૧૪ : ભુજના ૬ને કોરોના : ૭ દિ'માં જ ૧૧૪ કેસ અને ૧૧ મોતથી હડકંપઃ સરકારના મોટા દાવાઓ અને લોકોમાં ફફડાટ વચ્ચે કચ્છમાં તંત્રનું રગશીયું ગાડું : યુવા પત્રકાર ઉદય અંતાણીને કોરોના પોઝિટિવ આવતા પત્રકાર આલમમાં ચિંતાની લાગણી

 ભુજ તા. ૨૪ :  છેલ્લા એક અઠવાડિયાથીઙ્ગ કચ્છમાં કાતિલ બનેલા કોરોનાએ ૧૧ માનવ જિંદગીનો ભોગ લઈને ૧૧૪ જણાને પોઝિટિવ કેસનો શિકાર બનાવી લોકોમાં ભયનો માહોલ સજર્યો છે.ઙ્ગ ગઈકાલે એક જ દિ'માં ૨૪ પોઝિટિવ કેસ અને ૩ મોત નોંધાયા છે.

ગાંધીધામના ૬૩ વર્ષીય હીરાલાલ ટેકચંદ ઠકકર અને ૭૫ વર્ષીય વાડીલાલ લોદરિયાનો કોરોનાએ ભોગ લીધો છે. તો, રાપરના પૂષપેન્દ્ર રમેશ ઠક્કરનું પણ મોત નિપજતાં કચ્છમાં કુલ મોતની સંખ્યા વધીને ૨૪ થઈ છે. બીજી બાજુ પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. આજે ૨૪ કેસમાં ભુજમાં ૭, નલિયામાં ૮, ભચાઉમાં ૨, અંજારમાં ૨, ગાંધીધામમાં ૨, આદિપુરમાં ૧ અને સરહદના છેવાડાના ગામ ઘડુલી (લખપત)ના ૨ કેસ છે. કોરોનાના સંક્રમણનો ભોગ બનેલા નલિયાના એક જ પરિવારના ૧૪ તો ભુજના એક જ પરિવારના ૬ સભ્યો પોઝિટિવ આવતાં કોરોનાના કાતિલ ભરડાએ લોકોમાં હડકંપ સજર્યો છે.

ગાંધીધામના યુવા પત્રકાર ઉદય અંતાણીને પણ કોરોના પોઝિટિવ ડિટેકટ થયો છે જેને પગલે કચ્છના પત્રકાર આલમમાં ચિંતાની લાગણી છવાઈ છે. ઉદય અંતાણી કચ્છના જાણીતા દૈનિક કચ્છમિત્રના પત્રકાર છે. દરમ્યાન કચ્છમાં કોરોનાના વધતા જતાં કેસો અને મોત પછી આંતરિક અસંકલન અને માહિતીની બાબતે ચર્ચા બાદ હવે સારવારના મુદ્દે આક્ષેપ થતાં ખળભળાટ સર્જાયો છે.

ગાંધીધામના રહેવાસી હીરાલાલ ટેકચંદ ઠકકરના મોત મામલે તેમના પરિવારજનોએ રેમડીસીવીર ઇન્જેકશન વિનંતી છતાંયે ન અપાયા હોવાનો આક્ષેપ કરી મોત બાબતે તંત્રની બેદરકારીનો આક્ષેપ કરી સારવાર સામે સવાલ ઉઠાવ્યો છે. સરકારની સંવેદનશીલતા વચ્ચે કચ્છમાં માહિતીથી આંતરિક સંકલન સુધી અધિકારીઓમાં આપસી ટકરાવ સાથે તંત્રનું ગાડું રગશીયું ચાલી રહ્યું છે.

(11:25 am IST)