Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

પોરબંદરમાં કોરોનાના સેમ્પલ ટેસ્ટ થઇ શકશેઃ સરકાર દ્વારા ટુ નેટ મશીનની ફાળવણી

અલગથી લેબ ઉભી કરીઃ કલેકટરના હસ્તે ઉદ્ઘાટનઃ પ્રથમ દિવસે ૨૫ સેમ્પલોનું ટેસ્ટીંગ

પોરબંદર તા.૨૪: કોરોના સ્વાબ ટેસ્ટિંગ માટે સરકારશ્રી દ્રારા રૂ. ૩૦ લાખથી વધુના ખર્ચે પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલને બે ટ્રુ નેટ મશીનની ફાળવણી કરવામાં આવી છે. બન્ને મશીનનું જિલ્લા કલેકટર દ્રારા ઉદઘાટન કરાયુ હતું. કોરોના સેમ્પલ ટેસ્ટિંગ માટે સંપુર્ણ આત્મ નિર્ભર બનેલી ભાવસિંહજી હોસ્પિટલે મશીન મુકાયાના પ્રથમ દિવસે જ ૨૫ સેમ્પલોનું ટેસ્ટિંગ કરાયું હતું. આ માટે અલગથી લેબ ઉભી કરવામાં આવી છે.   

કલેકટર ડી.એન. મોદીએ જણાવ્યું કે, સંવેદનશીલ સરકાર દ્રારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. હવે જિલ્લામાંથી લેવામા આવતા કોરોનાના સ્વાબ ટેસ્ટિંગ માટેના સેમ્પલ જામનગરના માઇક્રોબાયોલોજી વિભાગ ખાતે મોકલવામાં નહીં આવે. આ ટેસ્ટિંગ હવે ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે કરવામાં આવશે. કોરોના ટેસ્ટ માટે પોરબંદર જિલ્લાને સરકાર દ્રારા આત્મનિર્ભર કરાયો છે. કોરોના મહામારીના વધતા વ્યાપને પહોંચી વળવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં હોસ્પિટલોને વધુને વધુ સક્ષમ બનાવી રહી છે. મોટાભાગની તમામ કામગીરી સ્થાનિક કક્ષાએથી જ થઇ શકે તે માટે હોસ્પિટલોને અત્યાધુનિક બનાવીને જુદા-જુદા મશીનોની ફાળવણી કરવાની સાથે રાતો રાત આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં ગુજરાત સરકારે પ્રેરણાદાયી કાર્ય કર્યુ છે ત્યારે પોરબંદર જિલ્લાને ફાળવવામાં આવેલ કોવિડ-૧૯ ટેસ્ટિંગ માટેના ૨ ટ્રુ નેટ મશીન દ્રારા દરરોજ સેમ્પલનું ટેસ્ટિંગ કરીને એજ દિવસે સાંજે રીઝલ્ટ આપવામાં આવશે.

આ સંદર્ભે માઇક્રોબાયોલોજીસ્ટ ડો.પુજા કામરીયાએ કહ્યુ કે, કોવિડ-૧૯ અંતર્ગત સ્વાબ ટેસ્ટિંગ માટે કાર્યરત ટ્રુ નેટ મશીન દોઢ કલાકમાં બે સેમ્પલ ટેસ્ટ કરી શકશે. ઇમરજન્સીમાં ૨ કલાકમાં જ સેમ્પલ ટેસ્ટ કરીને રીઝલ્ટ આપવામાં આવશે. ઉદઘાટનના પ્રથમ દિવસે જ ૨૫ સેમ્પલનું ટેસ્ટીંગ હાથ ધરવામાં આવ્યુ છે. ટ્રુનેટ મશીન દ્રારા જે ટેસ્ટ જામનગર ખાતે થતા હતા એ જ ટેસ્ટ હવે પોરબંદર ખાતે કરાશે. ડો.પુજાએ વિશેષ જણાવ્યું કે, આ કામગીરી માટે એક અલગથી લેબ ઉભુ કરાયુ છે.  જેમા માઇક્રોબાયોલોજીસ્ટ ઉપરાંત ચાર લેબ ટેકનિશીયન ફરજ બજાવી રહ્યા છે. અત્યારે વિશ્વમા કોરોના મહામારીનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે પોરબંદર જિલ્લો કોરોના મૂકત રહે તે માટે સરકાર ગંભીરતાથી કામ કરે છે, જો કોઇ કેસ પોઝીટીવ આવે તો તે દર્દી વહેલી તકે સંપુર્ણ સ્વસ્થ થઇ જાય તે માટે ડોકટર્સ સહિત હોસ્પિટલનો તમામ સ્ટાફ કોરોના વોરીયર્સ બનીને પોતાની તથા પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાત દિવસ ખડે પગે રહીને દર્દીને કોરોના મૂકત કરવાની મહત્વની કામગીરી કરીએ છીએ.

કોવિડ-૧૯ સ્વાબ ટેસ્ટીંગ મશીનનાં ઉદઘાટન પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી વી.કે. અડવાણી, નિવાસી અધિક કલેકટર રાજેશ.એમ તન્ના, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રાઠોડ, સીવિલ સર્જન ઠાકર સહિત ઉપસ્થિત રહ્યા હતા.(

(11:42 am IST)