Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

હળવદની તક્ષશિલા વિદ્યાલયે કોરોના કાળમાં એક મહિનાનું એસાઈનમેન્ટબુક તૈયાર કરી વિદ્યાર્થીઓને આપ્યું

ભવિષ્યમાં દરરોજ આઠ પુસ્તકોને બદલે માત્ર એક જ બુક શાળાએ લઇ જવાથી 'ભાર વગરનું ભણતર' સૂત્ર સાકાર કરી દફતરનો ૪૦ % વજન ઘટી શકે

હળવદ,તા.૨૪:  કોરોનાના કારણે લોકડાઉનમાં ઘરે–ઘરે પુસ્તક અભ્યાસકીય પ્રવૃતીઓ અને સામાન્ય જ્ઞાનની કવીઝ જેવા અવનવા પ્રોજેકટ હાથ ધરનાર હળવદની તક્ષશિલા વિદ્યાલયે તાજેતરમાં એક મહિનામાં બાળક કેટલું શીખી શકે તેની ક્ષમતા આધારિત એસાઈનમેન્ટ તૈયાર કરવામાં આવેલ છે.ધોરણ– ૩ થી ૮ ના આશરે ચારસો ચાલીસ જેટલા બાળકોને આ હેન્ડબુક પહોચાડવામાં આવી. આ એસાઈનમેન્ટ વાળી હેન્ડબુકમાં ગણિત, અંગ્રેજી અને વિજ્ઞાન/પર્યાવરણ જેવા મુખ્ય વિષયોના બે – બે પ્રકરણો અને હિન્દી, ગુજરાતી, સંસ્કૃત, સમાજ જેવા વિષયોના એક – એક પ્રકરણનો સમાવેશ કરેલ છે. પ્રત્યેક હેન્ડબુકમાં ચેપ્ટર મુજબ હેતુલક્ષી પ્રશ્નોનોનો સમાવેશ કરેલ છે, જેમાં ખાલી જગ્યા, ખરા-ખોટા, જોડકા વગેરે પ્રશ્નોમાં વિદ્યાર્થીએ જાતે જવાબો લખી શકે તેટલી જગ્યા રાખવામાં આવેલ છે,જયારે વર્ણનાત્મક પ્રશ્નો વિદ્યાર્થીએ અલગથી પોતાની નોટબુકમાં લખવાના રહેશે અને લોકડાઉન બાદ શાળા ખુલે,ત્યારે પોતાના વિષયશિક્ષકને બતાવવાના રહેશે.

ઓનલાઈન વિડિયો લેકચરમા આંખોને નુકસાન થવાની સંભાવના છે તેથી તક્ષશિલા વિદ્યાલયના શાળાના શિક્ષકો દ્વારા સ્ક્રીન રેકોર્ડિંગ દ્વારા તમામ વિષયના પાઠની ઓડિયો સમજૂતી બાળકોને મોકલવામા આવશે. તેનાથી બાળક પાઠયપુસ્તક મા જોઈને શિક્ષકનો અવાજ સાંભળીને ભણશે તેથી આંખો પણ ખરાબ ન થાય સ્ક્રીન રેકોર્ડિંગ દ્વારા શિક્ષણ અને એપ્લીકેશનના માધ્યમથી એનીમેશન દ્વારા જે-તે પાઠ ભણાવવામાં આવશે. પાઠ પૂર્ણ થયા બાદ ઓનલાઈન કલાસમાં શિક્ષકે ભણાવેલ વિષયવસ્તુની વિશેષ પ્રેકટીસ કરાવતું સંદર્ભ સાહિત્ય તમામ વિદ્યાર્થીઓને પહોંચાડવામાં આવેલ છે,તેનો અભ્યાસ કરવાનો રહેશે.

આ એસાઈનમેન્ટ દ્વારા વિદ્યાર્થી પોતાનું સ્વાધ્યાય કાર્ય ચકાસી શકશે,કરેલા લેશનનો રીપોર્ટનો ફોટો પાડીને વાલી દરરોજ જે-તે વિષય શિક્ષકને મોકલશે અને તેના આધારે તેનું મૂલ્યાંકન પણ કરવામાં આવશે.આ પ્રકારના એસાઈમેન્ટને દિનેશભાઈ રબારી સહિતના વાલીગણોએ લોકડાઉન ના સમયમાં પોતાના બાળકો માટેનું આ પ્રકારના સાહિત્યને આવકાર્યું હતું    શાળાના મેનેજિંગ ડિરેકટર ડો.મહેશભાઈ પટેલે જણાવ્યું કે જો આ એક-એક મહિનાની બુક તમામ વિદ્યાર્થીઓને માફક આવશે તો 'ભાર વગરના ભણતર' પ્રોજેકટ માટે ભવિષ્યમાં પણ આવી રીતે મહિનાવાઇઝ એસાઈનમેન્ટ બુક બનાવવાનો પ્રોજેકટ કાયમી ધોરણે લાગુ કરીશું.કારણ કે આ એસાઈનમેન્ટ બુક પ્રોજેકટથી વિદ્યાર્થીએ પોતની સાથે થેલામાં સાત કે આઠ વિષયના સંદર્ભ સાહિત્યના બદલે માત્ર એક જ બુક પોતાની સાથે રાખવાની રહેશે,જેથી બાળકના દફતરનો વજન ૪૦ % સુધી ઘટી જશે.

(11:36 am IST)