Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

ગોંડલમાં જિલ્લા પોલીસ વડાનો લોકદરબાર યોજાયો : ટ્રાફિક સહિત વિવિધ પ્રશ્નોની ચર્ચા

ગોંડલ તા.૨૪ : સીટી પોલીસ મથકમાં જિલ્લા પોલીસ વડા બલરામ મીણાનો લોકદરબાર યોજાયો હતો. ડીવાયએસપી હરપાલસિંહ જાડેજા તેમજ પોલીસ ઇન્સપેકટર રામાનુજ સહિત પોલીસ સ્ટાફ હાજર રહેલ હતો.

લોકદરબારમાં શહેરની સામાજીક સંસ્થાઓ ન.પા.ના પદાધિકારીઓ, વેપારી મંડળના આગેવાનો હાજર રહ્યા હતા. શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઇ માધડ દ્વારા શહેરમાં દિવસ દરમિયાન હેવી વાહનો તથા ટ્રકના પ્રવેશ પર પ્રતિબંધ મુકવા રજૂઆત કરી હતી. ધારાશાસ્ત્રી દિનેશભાઇ પાતર દ્વારા શહેરમાં લાગેલા પોલીસના સીસીટીવી કેમેરા શોભાના ગાંઠીયા સમાન થઇ ગયા છે. અનુસુચીત જાતિના ફરીયાદીઓની વર્ષ ૨૦૧૬-૨૦૧૯ દરમિયાન દાખલ કરાયેલ ૩૪ કેસ ફરિયાદની ચાર્જશીટ થવા પામી નથી તેમજ સ્થાનિક પોલીસ દ્વારા અમુક વિસ્તારોની સરપ્રાઇઝ વિઝીટ કરવામાં આવે તેવી માંગ કરી હતી. ઠાકોર કોળી વિકાસ નિગમ પ્રમુખ ભુપતભાઇ ડાભી દ્વારા પોલીસમાં સ્ટાફ ઘટની રજૂઆત કરાઇ હતી જેની સામે પોલીસ વડાએ યોગ્ય કરવા જણાવાયુ હતુ. લોકદરબારમાં હાજી સલીમભાઇ ચૌહાણ, પાલીકા બાંધકામ શાખાના ચેરમેન ચંદુભાઇ ડાભી, વોટર વર્કસ ચેરમેન આસિફભાઇ ઝકરીયા સહિત શહેરીજનો હાજર રહ્યા હતા

(11:57 am IST)