Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

ગોંડલના યુવાને નવી ફોર્ચ્‍યુનર ગાડીની નંબર પ્‍લેટમાં મનપસંદ ૯ નંબર માટે સવા દશ લાખ રૂપિયા ગાંધીનગર આરટીઓમાં ભર્યા

એક વર્ષ પહેલા ખરીદેલ નવા બુલેટમાં પણ મનપસંદ ૯ નંબર મેળવ્‍યો હતો

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨૪ : વાહનોની ફેન્‍સી નંબર પ્‍લેટ એટલે કે ગોલ્‍ડન અને સિલ્‍વર નંબર માટે નિયમ મુજબ ઓનલાઈન હરાજી યોજવામાં આવતી હોય છે. સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થતી હોવાથી હરાજીમાં ભાગ લેનાર વાહનચાલકો ઓનલાઈન ભાવ બોલતાં હોય છે. જેમાં સૌથી વધુ રકમની બોલી લગાવનારને તેની પસંદગીનો નંબર ઈસ્‍યુ કરવામાં આવતો હોય છે. ઘણા લોકો પોતાના લકી નંબર માટે પણ બોલી લગાવતાં હોય છે.

ગોંડલ શહેરના ખોડલધામ સોસાયટીમાં રહેતા અને હડમતાળા ઈન્‍ડસ્‍ટ્રીઝમાં કિસાન ફયુઅલ બાયોકોલ તેમજ તિરૂપતિ લેમીનેટ નામે ફેક્‍ટરી ધરાવતા કૌશિકભાઇ સોજીત્રા દ્વારા રૂપિયા ૪૨ લાખના ખર્ચે નવી ફોર્ચ્‍યુનર ગાડી ખરીદ કરવામાં આવી હતી આ ગાડીની નંબર પ્‍લેટમાં મનપસંદ ૯ નંબર લગાવો હોય રાજકોટ સહિતની અન્‍ય આરટીઓમાં તપાસ કરતા જાણવા મળ્‍યું હતું કે હમણાં નવી સીરીઝ ખુલી શકે તેમ નથી તો કૌશિકભાઇ એ ગાંધીનગર આરટીઓ સુધી ધોડા દોડાવ્‍યા હતા જયાં નવી સીરીઝ ખૂલવાની હોય ૯ નંબર માટે રૂ. ૧૦૨૧૦૦૦ આરટીઓમાં બિડિંગ કરવામાં આવ્‍યું હતું અને ગત શુક્રવારે તેને એપ્રૂવલ મળી જતા તેમની નવી ફોર્ચ્‍યુનર ગાડીમાં GJ 18 BR 0009 નંબરની HSRP પ્‍લેટ લાગી જશે.

આ તકે કૌશિકભાઇ સોજીત્રાએ જણાવ્‍યું હતું કે તેઓ નવ નંબરને પોતાનો લકી નંબર માની રહ્યા છે ગત વર્ષે તેઓ દ્વારા નવું બુલેટ ખરીદ કરવામાં આવ્‍યું ત્‍યારે પણ તેનો નંબર ૯ લેવામાં આવ્‍યો હતો આગામી વર્ષોમાં જો અન્‍ય વાહન પણ ખરીદવામાં આવશે તો નવ નંબર માટે બને તેટલા પ્રયત્‍નો કરવામાં આવશે તેવું જણાવ્‍યું હતું.

કૌશિકભાઇ કહ્યું હતું કે ગાંધીનગર આરટીઓ ખાતે નવ નંબર માટે ત્રણ લોકો દ્વારા બિડિંગ કરવામાં આવ્‍યું હતું જેમાં શુક્રવારના રાત્રે તેમને ૯ નંબર મળી રહ્યોનો આરટીઓનો મેસેજ આવ્‍યો હતો શનિ-રવિ બેંકમાં રજા હોય આવતીકાલ સોમવારના સવારે ઓનલાઇન રકમ ટ્રાન્‍સફર કરવામાં આવશે તેવું કહ્યું હતું.

(11:24 am IST)