Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ઓખા પાલિકાના શૌચાલય કૌભાંડમાં ૩ ચિફ ઓફિસરોના આગોતરા જામીન રદ કરવા હાઇકોર્ટમાં સરકારની અરજી

અમદાવાદ તા. ર૪ : ઓખા નગરપાલિકામાં શૌચાલય કૌભાંડમાં સંડોવાયેલા ૩ ચીફ ઓફિસરોના આગોતરા જામીન રદ કરવા સરકારે હાઇ કોર્ટમાં અરજી કરી છે.

વર્ષર૦૧૧ થી ર૦૧પ વચ્ચે ૩ ચીફ ઓફીસરોએ ભેગા મળીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું. પાંચ વર્ષમાં ૬૭૦૦ શૌચાલયો બનાવવાની યોજના સામે પ ટકા શૌચાલયો પણ બનાવ્યા નહી પરંતુ તેની સામે કરોડો રૂપિયાની ચુકવણી કરાઇ હતી. મૃત્યુ પામેલા લોકોના નિવેદનો અને બનાવટી ફોટાઓના આધારે ૩૭૦૦ જેટલા શૌચાલયોની નાણાં ચુકવ્યા હતા.

આ કેસમાં ત્રણેય ચીફ ઓફિસરોનો ભાંડો ફુટતા તેમણે આગોતરા જામીન મેળવી લીધા હતા. થોડા સમય બાદ તેની તપાસ થતા સરકાર સમક્ષ કરોડોનું કૌભાંડ બહાર આવ્યું હતું. સરકાર સફાળી જાગતા ત્રણેય ચીફ ઓફિસરોના આગોતરા જામીન રદ કરવા અરજી કરી છે. સરકારે એવી દલીલ કરી છે કે ત્રણેય આરોપીની કસ્ટડી મેળવીને તપાસ કરવી જરૂરી છે. શૌચાલયના નાણા કોને -કેવી રીતે ચુકવ્યા છે ? તેની તમામ વિગતો મેળવવાની બાકી હોવાથી ત્રણેય કૌભાંડીની કસ્ટડી જરૂરી છે.

બેટ દ્વારકામાં સ્વચ્છ ભારત મીશન હેઠળ ૭ એનજીઓની મદદથી ૬૭પર શૌચાલયો બનાવવાનો ટાર્ગેટ હતો. એક શૌચાલય બનાવવા ૧ર હજારનો ખર્ચો હતો. પરંતુ નિશ્ચિત ટાર્ગેટ પુરો કર્યા વગર ર.૭પ કરોડ ફાળવી દેવામાં આવ્યા હતા.

એન્ટી કરપ્શનને આ અંગે જાણ થતા ચીફ ઓફિસરોની સંડોવણી બહાર આવી હતી. એસીબીએ કુલ ૧૯ લોકોને આ કેસમાં આરોપી બનાવ્યા હતા.

(3:53 pm IST)