Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

કાલે પીપાવાવમાં જંગી રેલી : હાર્દિક - માંગુકીયા સહિતના આગેવાનો જોડાશે

અમરેલી તા. ૨૪ : રાજુલાના પીપાવાવમાં સરકારી જમીન પર થયેલા ખાનગી કંપની સહિતના લોકો દ્વારા થયેલા ગેરકાયદે દબાણો હટાવવાની માગણી સાથે એક માસથી ચાલતા ઉપવાસ આંદોલન છતાં તંત્ર તરફથી કોઇ કાર્યવાહી નહી કરાતા પીપાવાવના ગ્રામજનો દ્વારા તા. ૨૫ને શુક્રવારે જંગી રેલી યોજવાની જાહેરાત કરવામાં આવતા રાજકીય આગેવાનોમાં હલચલ મચી ગઇ છે અને વહીવટી તંત્રમાં પણ દોડધામ મચી ગઇ છે.

રાજુલા તાલુકાના પીપાવાવ અને આસપાસના વિસ્તારમાં એક ખાનગી કંપની અને અન્ય કેટલાક લોકોએ સરકારી જમીન પર કેટલાક લોકોએ સરકારી જમીન પર કબ્જો જમાવી દીધો છે અને બાંધકામ પણ કરી લીધા છે ત્યારે પીપાવાવના ગ્રામજનો દ્વારા આ ગેરકાયદે દબાણો હટાવવાની માંગ સાથે છેલ્લા ૩૦ દિવસથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ આંદોલનને વેગ આપવા આંદોલનકારો દ્વારા તા. ૨૫મીએ રાજુલા માર્કેટ યાર્ડ ચોકમાં જંગી રેલી અને જાહેરસભાનું આયોજન કરાયું છે. જેમાં હાર્દિક પટેલ, કોંગ્રેસના માંગુકીયા, રાજુલાના કોંગ્રેસી ધારાસભ્ય અંબરીશ ડેર સહિતના આગેવાનો, પીપાવાવના ગ્રામજનો ઉપસ્થિત રહેશે.

ભાજપના આગેવાનોએ પીપાવાવના પ્રશ્ને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ રજૂઆત કરી આ પ્રશ્ન ત્વરીત ઉકેલવા માંગ કરી હતી. જિલ્લા ભાજપના મહામંત્રી રવુભાઇ ખુમાણે જણાવ્યું હતું કે, આ બાબતે સરકારમાં રજૂઆત થઇ ચૂકી છે. સરકાર પીપાવાવના ગ્રામજનોની સાથે જ છે. ત્રણ દિવસમાં જેના પણ ગેરકાયદે દબાણો હશે તેને હટાવાશે.

આ બાબતે પ્રાંત અધિકારી ડાભીએ જણાવ્યું હતું કે, ૧૭ શરત ભંગ સહિત ૩૦ દબાણકારોને નોટીસ અપાઇ ચૂકી છે. ત્રણ દિવસમાં જેના ગેરકાયદે દબાણો છે તે હટાવવાની કામગીરી હાથ ધરાશે.(૨૧.૯)

(12:07 pm IST)