Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

તળાજા પાસે ટ્રક પાછળ બસ ઘુસી જતા ર ના મોત

ઉનાના દેલવાડાના સ્‍કૂલના કલાર્ક અને ટીંબી ગામના ઉમિયા ટ્રાવેલ્‍સના કલીનરનું મોત : ૩ ને ઇજા

ભાવનગર, તા. ર૪ : તળાજા-ભાવનગર નેશનલ હાઇવે પર ગોઝારા અકસ્‍માત માટે કુખ્‍યાત ધારડી ગામના પાટીયા સામે ગતરાત્રે સીમેન્‍ટ ભરેલો બંધ ટ્રક પાછળ ઉમિયા ટ્રાવેલ્‍સની અમદાવાદ તરફ જતી લકઝરી બસ અથડાતા બસમાં બેસેલા કલીનર અને મુસાફર મળી બેના સ્‍થળ પર જ મૃત્‍યુ થયા હતાં. ડ્રાઇવર સહિત ત્રણ વ્‍યકિતઓને ગંભીર ઇજાઓ થતા ભાવનગર ખસેડવામાં આવેલ છે.

ઉનાથી અમદાવાદ જતી ઉમિયા ટ્રાવેલ્‍સની લકઝરી બસ નં. જીજે-૦પ-બીટી-૯૯૦૬ તળાજા વોલ્‍ટ કરી અમદાવાદ જવા રાત્રીના ૧:૩૦ વાગ્‍યાના સુમારે રવાના થઇ હતી. ધારડી ગામના પાટીયા સામે બંધ પડેલ સિમેન્‍ટ ભરેલ ટોરસ ટ્રક જીજે-૧સીએકસ-૧૩૯૦ પાછળ લકઝરી બસના ચાલક શુભાન જમાલભાઇ કુરેશી (રે. ધોબીવાડ, ઉના) એ ગફલતભરી રીતે ચલાવી અથડાવી દીધેલ.

ધડાકા સાથે ટ્રક પાછળ બસ અથડાતા ટ્રકના કલીનર ગંભીરસિંહ ઘેલુભા (વઢવાણ)(ઉ.વ.ર૭) તથા ઉનાના દેલવાડા ગામે રહેતા અને અહીં હાઇસ્‍કૂલમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા રાકેશ ધીરજલાલ ભટ્ટ (ઉ.વ.૩૮)ના સ્‍થળ પર જ કમકમાટી ભર્યા મોત નિપજયા હતાં.

બસના ચાલક શુભાન કુરેશી, વરજાંગભાઇ રામભાઇ મજેડીયા (ઉ.વ.૪૪, રે. કાલાપાડા-તા. ઉના), નિલેશ પુરૂષોતમભાઇ લાડવા (ઉ.વ.૪૦) રે. તલગાજરડાને ભાવનગર રીફર કરવામાં આવ્‍યા હતાં. બે બાળકોને સામાન્‍ય ઇજાઓ થતા અહીં સારવાર આપવામાં આવી હતી.

મૃતક રાકેશ ભટ્ટને સંતાનમાં બે દીકરીઓ છે જયારે કલીનરને એક દિકરી છે. ડ્રાયવરની એક ભૂલ અને ઝડપના કારણે ત્રણ-ત્રણ દિકરીઓ અને બે પરિવારે પિતા અને ઘરના મોતી ખોયા છે. તળાજા હોસ્‍પિટલે મૃતક રાકેશભાઇ ભટ્ટનો પરિવાર પણ હાજર હોઇ કલ્‍પાંત કરતા અરેરાટી ભર્યા દૃશ્‍યોને લઇ શોકની કાલીમાં છવાઇ હતી. અલંગ-તળાજા પોલીસે કેસ કાગળો તૈયાર કરી ચાલક વિરૂદ્ધ ફરીયાદ નોંધી તપાસ હાથ ધરેલ છે.

બે દિવસ પહેલા જન્‍મ દિવસ ઉજવી રાત્રે આબુ ઉનાળુ વેકેશન કરવા નિકળ્‍યા ને કાળ આંબી ગયો

દેલવાડા સ્‍કૂલના કલાર્ક રાકેશ ધીરજલાલ ભટ્ટના પરિવારજનોએ જણાવ્‍યું હતું કે બે દિવસ પહેલા જ રાકેશભાઇનો જન્‍મ દિવસ હતો. જન્‍મ દિવસની ઉજવણી બાદ આબુ-અંબાજી ઉનાળુ વેકેશન કરવા માટે ગત સાંજે જવા રવાના થયા હતા, પરંતુ કુદરતને કિલ્લોલ કરતા પરિવારનું સુખ જાણે પસંદ ના હોઇ તેમ ગોઝારી ઘટના બની જેમાં કુમળી વયની બે દિકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી.

બંધ વાહનોને રાત્રી દરમિયાન પોલીસે હટાવવા જરૂરી વાહન ધારકોએ પ્રકાશ રહે તેવું કરવું જોઇએ

ભાવનગર : તળાજાથી ત્રાપજ સુધીના માર્ગ પર ભૂતકાળમાં પણ અનેક વખત બંધ ટ્રક પાછળ રાત્રીના સમયે વાહનો અથડાઇને ગોઝારા અકસ્‍માતના બનાવો બનેલા છે. અકસ્‍માતો સર્જાતા ઘરના મુખ્‍ય કામનાર વ્‍યકિતઓ, મોતીઓના મોતના પગલે એ પરિવારોની સ્‍થિતિ એકદમ કફોડી બને છે. અકસ્‍માતો ન સર્જાય તે માટે સંબંધીત પોલીસ મથકો દ્વારા રાત્રી દરમિયાન ખાસ બંધ વાહનો રોડ પર જ  ન રહે તેવું કરવું જરૂરી બન્‍યું છે સાથે વાહન ધારકોએ પણ રાત્રી દરમિયાન વાહન પડયું છે તે દૂરથી દેખાય તે માટેની જરૂરી કાર્યવાહી કરવી જોઇએ. જેથી કરીને ગમખ્‍વાર અકસ્‍માતો ન સર્જાય.

 

(11:50 am IST)