Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ગુજરાત સરકાર પાણીની રીસાઇકલીંગ પોલીસી જાહેર કરશે : વિજયભાઇ રૂપાણી

જુનાગઢ જિલ્લાના વાડલામાં તળાવનું નિરીક્ષણ કરી શ્રમ દાન કરતા મુખ્યમંત્રીઃ સુજલામ સુફલામ જળ અભિયાનથી ગુજરાતના ગામડા સમૃધ્ધ બનશે : જળ અભિયાનને રાજકીય ગણાવનારને મુખ્યમંત્રીશ્રીનો સ્પષ્ટ જવાબ : ગુજરાતની ભવિષ્યની પેઢીને પાણીની તંગીમાંથી મુકત કરવાનો આ પુરૂષાર્થ છે : જળ અભિયાનમાં ૪૫૦૦થી વધુ જેસીબી અને ૧૪ હજારથી વધુ ટ્રેકટર, ડંપરથી ફળદ્રુપ માટી ખેતરોમાં જઇ રહી છે

જૂનાગઢ : રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી  આજે જૂનાગઢ જીલ્લાના વાડલા ગામની મૂલાકાતે છે તેમની ઉપસ્થિતીમાં જળ સંચય કાર્યક્રમ, જાહેર સભા, ગૌ પૂજા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ( અહેવાલ : વિનુભાઇ જોષી તસ્વીરઃ મૂકેશ વાઘેલા જૂનાગઢ)

 જૂનાગઢ તા. ૨૪ :  મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ દેશના સૌથી મોટા સુજલામ સુફલામ જળ અભિયાનને ગુજરાતની ભવિષ્યની પેઢીને પાણીના દુકાળમાંથી મુકત કરનારો પુરૂષાર્થ ગણાવી રાજયમાં પાણીના ટીપે-ટીપા બચાવવા સરકારે સુનિશ્ચિત આયોજન કર્યું છે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ વધું કહ્યું કે, જળ અભિયાનને પ્રચંડ લોક પ્રતિસાદ મળ્યો છે. પ્રભુના પ્રસાદને ઝીલવા જન શકિતએ શરૂ કરેલ પરિશ્રમ એળે નહીં જાય તેમ જણાવી આગામી ચોમાસામાં આ ઇશ્વરીય કાર્યનું પરિણામ જોવા મળશે તેમ કહ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ રાજય સરકારના જળ અભિયાનને રાજકીય ગણાવનારાને જવાબ આપતા સ્પષ્ટ કહ્યું કે, આ કાર્યક્રમ જો ચુંટણી લક્ષી હોત તો અમે ચુંટણી પછી તુરંત કે ચુંટણી પહેલા કર્યો હોત. અમારી સરકાર ગુજરાતના લોકોની ચિંતા કરનારી સરકાર છે. ભવિષ્યની પેઢીને સમૃદ્ઘ જળ વારસો આપવાની અમારી નેમ છે, તેમ જણાવી વિરોધિઓની પણ ટીકા કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતના ખુણે-ખુણે લોકો આ અભિયાનમાં જોડાય ગયા છે. અભિયાનને પ્રથમ દિવસે ૧લી મેના રોજ તળાવ ઉંડા કરવાનાં કામોમાં ૫૨૭ જેસીબી હતા આજે ૪૫૦૦ જેસીબી અને ૨ હજાર ટ્રેકટરોની સામે ૧૪ હજાર ટ્રેકટર, ડમ્પર તથા ૪૫૦ એન.જી.ઓ. સામે આજે ૨૬૦૦ એન.જી.ઓ. જળ વંદનામાં સામેલ છે. મુખ્યમંત્રીશ્રીએ ૩.૨૭ લાખ શ્રમજીવી ભાઇ-બહેનો પણ મનરેગા હેઠળ તળાવોને ઉંડા કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે તેમ પણ કહ્યું હતું.

ગુજરાતના ગામો ફળદ્રુપ માટીથી અને પાણીના તળ ઉંચા આવવાથી સમૃદ્ઘ થશે અને ગામો સમૃદ્ઘ થશે તો શહેરો સમૃદ્ઘ થશે તેમ જણાવી આગામી વર્ષોમાં આ અભિયાનના પરિણામો થકી ખેતરોમાં ખેતી પાક લહેરાશે અને પાણીની કોઇ સમસ્યા નહીં રહે. લોકાના પરસેવાનું મૂલ્ય ત્યારે થશે જયારે આ તળાવો છલકાશે.

રાજયમાં ૧૧ હજાર લાખ ઘનફુટ પાણીની ક્ષમતા વધશે. મુખ્યમંત્રીશ્રીએ આગામી દિવસોમાં ગટરના પાણીને શુદ્ઘ કરવાની રીસાઇકલીંગ પોલીસી જાહેર કરાશે તેમ જણાવી દરિયાના ખારા પાણીને પણ શુદ્ઘ કરવા પ્લાન્ટ શરૂ થવા જઇ રહ્યો છે તેમ જણાવ્યું હતું.

વાડલા ગામે મુખ્યમંત્રીશ્રીએ તળાવના કાંઠે રહેલી જળ કુંભીઓની સફાઇ કરવા પણ સુચન કર્યું હતું. ગામના ભાઇ-બહેનોએ રસ્તા પર મુખ્યમંત્રીશ્રીનું અદકેરૂ સ્વાગત કર્યું હતું. જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા અભિયાનમાં રૂ ૧.૧૧ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જુનાગઢ મોટી હવેલીના વૈશ્ણવાચાર્યશ્રી પિયુષબાવાશ્રીએ કહ્યું કે, પ્રકૃતિ અને ધર્મનો આદર કરવામાં આવે તો તે માનવજાત માટે કલ્યાણકારી હોય છે. સરકારનું આ કાર્ય કલ્યાણકારી છે અને તેમાં સૌનો સહયોગ છે. ચાપરડાના મહંતશ્રી મુકતાનંદબાપુએ જણાવ્યું કે, સરકારનું આ કાર્ય પશુ, પંખી, પ્રકૃતિ અને માનવજાત માટે ઉપયોગી અને પાણીની સમસ્યામાંથી મુકત કરનારું છે. મુખ્યમંત્રીશ્રીએ રાજયમાં જળનું સંકટ ભૂતકાળ બને તે માટે લોકોને સાથે રાખીને આ વિરાટ કાર્ય કર્યું છે તેમ જણાવ્યું હતું.

 કાર્યક્રમના પ્રારંભે કલેકટરશ્રી ડાઙ્ખ.સૌરભ પારધીએ સ્વાગત પ્રવચન કરી જિલ્લાના જળ અભિયાનના ચાલતા કામો અને તેની સફળતાની વિગતો આપી હતી. આભાર વિધિ ડી.ડી.ઓ.શ્રી પ્રવિણ ચૌધરી અને કાર્યક્રમનું સંચાલન શ્રી હારૂન વિહળે કર્યું હતું.

કાર્યક્રમમાં મેયરશ્રી આદ્યશ્કતિબેન મજમુદાર, સાસંસદશ્રી રાજેશભાઇ ચુડસમા, પૂર્વમંત્રીશ્રી ગોરધનભાઇ ઝડફીયા, ધારાસભ્યશ્રી દેવાભાઇ માલમ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કિરીટભાઇ પટેલ, શ્રી શશીકાંતભાઇ ભીમાણી, શ્રી જયોતીબેન વાછાણી, શ્રી રામશીભાઇ ભેટારીયા, શ્રી કનુભાઇ ભાલાળા, દિનેશભાઇ ખટારીયા, શ્રી દેવાણંદભાઇ સોલંકી, શાપુરના શ્રી ટીનુભાઇ, મ્યુ.કમિશનરશ્રી પ્રકાશ સોલંકી, ડે.મેયરશ્રી ગિરીશભાઇ તેમજ સ્વામીનારાયણ સંપ્રદાયના મોહનપ્રસાદ સ્વામી સહિતના સંતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.(૨૧.૨૪)

(1:56 pm IST)