Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ગોંડલમાં પાલિકા ફૂડ શાખા દ્વારા ૧૦૦ કિલો ખરાબ કેરી અને ૧૦ કિલો કાર્બાઈડ જપ્ત

ગોંડલ : શહેરમાં ખાણીપીણીના વેપારીઓને ત્યાં ગંદકી અને ફ્રુટના વેપારીઓને ત્યાં કાર્બાઈડથી કેરી પકવતા હોવાની વ્યાપક ફરિયાદો નગરપાલિકા તંત્ર પાસે આવતાં પાલિકાતંત્ર દ્વારા આજે શહેરમાં વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને અખાદ્ય કેરી કાર્બાઇડ સહિતનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.

ગોંડલ નગરપાલિકા ફૂડ શાખાના ઇન્સ્પેકટર હિતેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે શહેરમાં ફરસાણ,પાણીપુરી, તેમજ અન્ય ખાણીપીણીની જગ્યાઓમાં વ્યાપક ગંદકી અને ભેળસેળની વ્યાપક ફરિયાદો આવી હતી તેમજ કેટલાક ફ્રૂટના વેપારીઓ દ્વારા કાર્બાઇડથી કેરી પકાવવાની આવતી હોવાની માહિતી મળતાં આજરોજ પાલિકાના ફુડ શાખાના અધિકારીઓ દ્વારા બસ સ્ટેન્ડ ચોક જુના માર્કેટયાર્ડ સહિત વિવિધ વિસ્તારોમાં સદ્યન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભોલેનાથ રસ તેમજ રવજીભાઈ જસાણીની ચૂંટણી દુકાનમાંથી સો કિલો જેટલી ખરાબ કેરી તેમજ ૧૦ કિલો જેટલો કાર્બાઇડ મળી આવતા કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જયારે શહેરના ગુંદાળા દરવાજા પાસે કૈલાશ કોમ્પલેક્ષમાં આવેલ મારડિયા સ્વીટ માર્ટ માં ચેકીંગ હાથ ધરાતાં ત્યાં વ્યાપક પ્રમાણમાં ગંદકી માલુમ પડતાં તેઓને રૂપિયા ૫૦૦નો દંડ કરવામાં આવ્યો હતો.

હિતુભાઈ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પાલિકાના ફુડ શાખા દ્વારા શહેરમાં નવા બનેલા ફાસ્ટ ફૂડના પાર્લરો તેમજ પીઝા રેસ્ટોરન્ટ, ઢોસા અને પાઉંભાજી ની લારી તેમજ ભજીયા સહિતની લારી-ગલ્લાઓ માં ચેકિંગ હાથ ધરવામાં આવશે આ ઉપરાંત ઠંડા પીણા આઈસ્ક્રીમ, ગોલા, સહિતના વેપારીઓને ત્યાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે.(૧૫.૨)

(12:34 pm IST)